(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
પુલવામા આતંકવાદી હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ રાષ્ટ્રવાદનો મુદ્દો ચૂંટણીની રેલીઓમાં છવાયેલો છે. આ મુદ્દે સત્તાધારી ભાજપને ઘેરવાના પ્રયાસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને ‘મસૂદ અઝહર જી’ કહી બેઠા. જે પછી ભાજપે તેમના પર પ્રહાર કરવામાં કોઇ કસર ન છોડી.
પરંતુ હવે કોંગ્રેસે પણ ભાજપને જોરદાર જવાબ આપ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ મંગળવારે સવારે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનો એક વીડિયો ટ્‌વીટ કર્યો જેમાં તેઓ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદને ’હાફિઝ જી’ કહી રહ્યાં છે.
પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું કે અપેક્ષા છે કે આ વીડિયોને ભાજપની નવી વેબસાઇટમાં સારું સ્થાન મળશે, જ્યારે એ વેબસાઇટ ચાલુ થઇ જશે. ભાજપ નેતૃત્વ અને તેમનું હાફિઝ સઇદ દ્વારા સમર્થન. એ સિવાય તેમને એ પણ યાદ હશે જ્યારે તેમણે વેદપ્રકાશ વૈદિકને હાફિઝને ગળે લગાડવા અને વાત કરવા મોકલ્યા હતાં.
પ્રિયંકા ચતુર્વેદીએ આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલની તસવીર પણ શેર કરી છે જેમાં તેઓ મસૂદ અઝહરને મૂકવા જઇ રહ્યાં છે. આ તસવીર કંદહાર ઘટના સમયની છે. જ્યારે રવિશંકર પ્રસાદનો વીડિયો ગયા વર્ષના જૂનનો છે જે દરમિયાન તેઓ કોંગ્રેસને ઘેરવા માટે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં હાફિઝ સઇદને હાફિઝ જી કહી બેઠાં હતાં.