(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૨
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનાં અંતિમ દિવસે આજે શહેર-જિલ્લાની દશ વિધાનસભાનાં ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારોએ મહારેલીનું આયોજન કર્યું હતું. માંજલપુર શહેરવાડી અને રાવપુરા વિધાનસભામાં ઉમેદવારોની રેલી આમને સામને આવી જતાં કાર્યકરોમાં ઘર્ષણ સર્જાયું હતું. જોકે, સામસામે ભારે સૂત્રોચાર કરી અને રેલી આગળ ધપાવી દેવામાં આવી હતી.
સયાજીગંજ બેઠક પરનાં કોંગ્રેસનાં ઉમેદવાર નરેન્દ્ર રાવતે આજે સવારે પોતાના વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે રેલી કાઢી ચૂંટણી પ્રચાર કર્યો હતો. નરેન્દ્ર રાવતની રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો બાઇકો તથા કાર સાથે જોડાયા હતા. બીજી બાજુ ભાજપનાં ઉમેદવાર જીતેન્દ્ર સુખડીયા તથા રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર રાજેશ આયરે દ્વારા પણ રેલીઓ કાઢી અંતિમ ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો હતો. એજ રીતે રાવપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) તેમજ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પ્રચારનાં છેલ્લાં દિવસે વિશાળ રેલીઓ કાઢી હતી. શહેરવાડી બેઠકનાં ઉમેદવાર મનિષાબેન વકીલ તથા કોંગ્રેસનાં ઉમેદવાર અનિલ પરમાર તેમજ અકોટા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર રણજીત ચવાણ તેમજ ભાજપના ઉમેદવાર સીમાબેન મોહિલે તેમજ માંજલપુુર બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ચિરાગ ઝવેરી અને ભાજપનાં ઉમેદવાર યોગેશ પટેલે પણ વિશાળ રેલીઓ કાઢી હતી. જેને પગલે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.
માંજલપુર બેઠકનાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ અને કોંગ્રેસના ચિરાગ ઝવેરીની રેલી એક સ્થળે સામસામે આવી ગઇ હતી. જેમાં કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સામસામે કર્યા હતા. એક તબક્કે કાર્યકરો વચ્ચે હાથાપાયી થવા પામી હતી પણ અંતે સમજાવટથી મામલો થાળે પડયો હતો. તેજ રીતે શહેરવાડી ભાજપના ઉમેદવાર મનિષાબેન વકીલ અને રાવપુરાનાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની રેલી શાસ્ત્રીબાગ પાસે આમને સામને આવી ગઇ હતી. જેથી બંન્ને પક્ષોનાં કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરતાં રાહદારીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
આજ રીતે વડોદરા જિલ્લાની સાવલી બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર સાગર બ્રહ્મભટ્ટ (કોકો), ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર તેમજ પાદરા બેઠકનાં ભાજપના ઉમેદવાર દિનુ મામા, કોંગ્રેસનાં ઉમેદવારે તથા કરજણ બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય પટેલ, ભાજપના ઉમેદવાર સતીષ પટેલ તથા ડભોઇ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર શૈલેષ મહેતા અને કોંગ્રેસનાં ઉમેદવાર સિદ્ધાર્થ પટેલ તેમજ વાઘોડીયા બેઠકનાં ભાજપના ઉમેદવાર મધુશ્રીવાસ્તવ, અપક્ષ ઉમેદવાર ધમેન્દ્રસિંહ, બીટીએસના ઉમેદવાર દ્વારા પણ ભવ્ય રેલીઓ કાઢવામાં આવી હતી.