(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા માટે લાંચની માંગણી કરનાર ભાજપના મહિલા કોર્પોરેટરના ભાઇ અને પિતાની ધરપકડ બાદ આજે એસીબી દ્વારા મહિલા કોર્પોરેટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. એસીબી પાસેથી મળતી માહિતી અનુસાર ગત તા.રરમી ઓગષ્ટના રોજ ભાજપની મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઇ વિક્કી અને તેના પિતા મોહન સુમરાએ એક વ્યક્તિ પાસેથી તેનું ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા માટે રૂપિયા ૭પ હજારની માંગણી કરી હતી. અગાઉ રૂપિયા ર૦ હજાર લાંચ પેટે પડાવ્યા બાદ બાદમાં બીજા પપ હજાર લેવા જતા એસીબીની ટીમે મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઇની ધરપકડ કરી હતી. આ ઘટના બની ત્યારે મોહન સુમરા નાસી છુટ્યા હતા જેને પોલીસે થોડા દિવસ અગાઉ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આજે ભાજપની મહિલા કોર્પોરેટર નેન્સી મોહન સુમરાને એસીબી દ્વારા નિવેદન નોંધાવવા માટે એસીબી ઓફિસર પર બોલાવવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન તેની વિરુધ્ધના પુરાવાઓ હાથ લાગતા એસીબીએ ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ કરી હતી. ભાજપની મહિલા કોર્પોરેટરની લાંચ કેસમાં ધરપકડ થતા સુરત શહેર ભાજપ કાર્યાલય દ્વારા આ અંગે પ્રદેશ ભાજપમાં જાણ કરવામાં આવી છે અને આજે મોડી સાંજ સુધીમાં નેન્સી સુમરાને ગમે ત્યારે ભાજપમાંથી અને કોર્પોરેટર પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવશે તેવું શહેર ભાજપના વર્તૂળો દ્વારા જાણવા મળી રહ્યું છે. શહેર ભાજપની આબરૂના ધજાગરા ઉડાડતા આ કેસના આગામી દિવસોમાં હજુ પણ પડધા પડે એવી સંભાવના છે.