જામનગર, તા.૩૧
બેડશ્વરના કેટલાક પરિવારોના પ્રશ્ને ખુદ શાસક પક્ષના જ બે મહિલા કોર્પોરેટરોએ સતત ત્રીજા દિવસે ધરણાં ચાલુ રાખ્યા છે અને આજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની ચેમ્બર સામે ધરણાં કર્યા છે.
જામનગરના બેઘર બનેલા અઢાર પરિવારો માટે આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગણી સામે આજે ત્રીજા દિવસે ભાજપના બે કોર્પોરેટરો દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની ચેમ્બર પાસે પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગરમાં બેડેશ્વર માર્ગ, ઓવરબ્રિજ નજીક મહાનગર પાલિકા દ્વારા પાડતોડ કરવામાં આવી હતી. જેમાં ૧૮ પરિવારો બેઘર બન્યા હતા. આ તમામ પરિવારો માટે આવાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સામે શાસક જુથના કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા અને હુશેનાબેન સંઘાર દ્વારા પ્રતીક ધરણાના આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગત શુક્રવારે મ્યુનિ.કમિશ્નર કાર્યાલયમાં અને શનિવારે મેયર કાર્યાલયમાં ધરણાં કર્યા પછી આજે ત્રીજા દિવસે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનના કાર્યાલય પાસે ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રચનાબેન, હુશેનાબેન સાથે ધરણામાં લાભાર્થીઓ પણ જોડાયા હતા. લોકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે, ભાજપના રાજમાં ખુદ શાસક પક્ષના સભ્યોનો અવાજ પણ કોઈ સાંભળતું નહીં હોય ?