(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રર
ભાજપને ૧પ૦+તો ઠીક ચૂંટણીમાં ત્રણ ડીજીટમાં પણ બેઠકો ન મળતા નિરાશ થવું પડયું હતું. પરંતુ તે બધુ ભૂલી હવે તે પોતાની સ્ટાઈલ પ્રમાણે ૧૦૦નો આંક પાર કરવા અપક્ષ ધારાસભ્યોને ખેંચવાના પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસને બહુમતી માટે માત્ર સાત બેઠક જ ખૂટતી હોઈ આગળ જતા તે કોઈ તડ-જોડનું નવું ગણિત ના હાથ ધરી લે તેવી આશંકાએ પાણી પહેલા પાળ બાંધતા હોય તેમ અપક્ષોને પોતાની સાથે ભેળવવાની કામગીરી હાથ ધરી હોય તેમ જણાય છે. આ પ્રયાસરૂપે ભાજપને એક અપક્ષને ખેંચવામાં સફળતા પણ મળી છે. ભાજપ ભલે પાતળી બહુમતી સાથે ૯૯ બેઠક પર અટકી ગયું હોય પરંતુ હવે ભાજપ અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોને પોતાની તરફેણમાં લેવાની રણનીતિ પર કામ કરી રહ્યો છે. જેથી ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૦૦ને પાર થઈ શકે ! સરકાર બનાવવા માટે કોંગ્રેસને ફકત સાત બેઠક જ ઘટે છે. આવા સમયે જે કોંગ્રેસ જોડતોડ કરે તો ? એ પહેલા જ ભાજપે રાજકીય ગતિવિધિ તે જ કરી દીધી છે.
લુણાવાડાથી ભાજપ સામે ૩ર૦૦ વોટથી અપક્ષમાં જીતેલા રતનસિંગ રાઠોડ અને મોરવા હડફથી ૪૩૬૬ વોટથી ભાજપને પછડાટ આપનાર ભુપેન્દ્રસિંહ ખાંટને ભાજપામાં લેવા માટે પ્રયાસ શરૂ કરી દેવાયા છે. જે પૈકીના રતનસિંહ રાઠોડે ભાજપને બિન શરતી ટેકો પણ જાહેર કરી દીધો છે તો બીજી તરફ મોરવા હડફ બેઠક પર અપક્ષ ચૂંટાયેલા ભરતસિંહ ખાંટ સાથે પણ ભાજપના મનામણા ચાલી રહ્યા છે. જે મિશન પણ આગામી સમયમાં પાર પાડી દેવામાં આવશે એવું ભાજપના જ સૂત્રો જણાવી રહ્યા છે. રર વર્ષના શાસન પછી ૧પ૦ બેઠકથી વધારેની જીત સાથે ચાલુ થયેલા ચૂંટણી પ્રચાર બાદ માત્ર ૯૯ સીટ આવતા ભાજપ અંદરખાને બેકફુટ પર આવી ગયો છે. ત્યારે કોઈપણ સંજોગોમાં બેઠકોની સંખ્યા ૧૦૦થી વધારવા ભાજપે કમર કસી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ભાજપ દ્વારા અપક્ષોને પોતાની તરફ ખેંચવા પ્રયાસો; કોંગ્રેસ માટેની રણનીતિ ?

Recent Comments