(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીની અગાઉની જેમ આ વખતે પણ એક વર્ષ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ર૦૧૪ની જેમ ગુજરાતની તમામ ર૬ બેઠકો ફરીવાર એક કરવાની વ્યૂહરચના સાથે ભાજપ કટીબદ્ધ બન્યું છે તે માટે પ્રભારી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએથી ખાસ પ્રતિનિધિ પણ મોકલી કવાયત હાથ ધરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતા હવે આગામી લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માંગતું ભાજપ હમણાથી જ સક્રિય રીતે તૈયારીમાં લાગી ગયેેલ છે તે માટે આજે લોકસભા ચૂંટણીની રાજ્યકક્ષાની એક કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના પ્રભારી ઉપરાંત ખાસ ઉપસ્થિત સાંસદ સહિતના પ્રતિનિધિઓએ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય તથા સીએમના નિવાસસ્થાને બેઠકોનો દોર હાથ ધર્યો હતો. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત વડાપ્રધાનનું હોમસ્ટેટ હોઈ ખાસ ધ્યાન આપવા હમણાથી જ કમર કસવામાં આવી છે. આ માટે ગુજરાતના ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની સાથે અન્ય અગ્રણીઓ સાંસદ અનિલ જૈન તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી.સતિષ ગુજરાતની ખાસ મુલાકાતે આવેલ છે. આ ત્રણેય અગ્રણીઓએ ગુજરાતના અગ્રણીઓ સાથે એક પછી એક તબક્કાવાર આજે બેઠકોનો દોર હાથ ધર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તથા અન્યો સાથે બેઠકો યોજી હતી. લોકસભા ૨૦૧૯ ચૂંટણીમાં ગુજરાતમાંથી ફરીવાર તમામ એટલે કે, ૨૬ બેઠકો પર વિજય મેળવવો ગુજરાત ભાજપ માટે કપરા ચઢાણ છે. આથી ગુજરાત બીજેપીએ લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલાં તૈયારીઓ આરંભી દીધી છે. ખાસ કરીને ગુજરાત નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાથી ગુજરાતમાંથી લોકસભાની વધુમાં વધુ બેઠકો ભાજપને મળે તે માટેના પ્રયાસો કરવા હાઈકમાન્ડ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જેને પગલે ભાજપના પ્રદેશ હોદ્દેદારોથી મહત્ત્વની બેઠક કમલમ ખાતે મળી હતી. જેમાં ૧૧ સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણી સમિતિમાં રૂપાણીને સ્થાન મળ્યું નથી. પણ નીતિન પટેલને રાખવામાં આવ્યા છે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણિયાને સમગ્ર ચૂંટણીની બાગડોર સોંપવામાં આવી છે જ્યારે અન્ય ૧૧ સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ અને ગણપત વસાવા, બીજેપીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને આઈ.કે. જાડેજા, પૂર્વમંત્રી શંકર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.