અમદાવાદ, તા.ર૩
પાસના પૂર્વ કન્વીનર અને ભાજપ સાથે ૧પ દિવસમાં છેડો ફાડી ફરી અનામત આંદોલનમાં જોડાનારા નિખિલ સવાણીએ ભાજપ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યો હોવાનો આરોપ લગાવીને જણાવ્યું છે કે ભાજપ દ્વારા તેનો હની ટ્રેપમાં ફસાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તેમજ તેને અને તેના પરિવારને જીવનું જોખમ છે અને જે કાંઈ પણ થશે તો તેના માટે ગુજરાત સરકાર જવાબદાર રહેશે.
પૂર્વ પાસના કન્વીનર નિખિલ સવાણીએ ગુરૂવારે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર યુવતીઓના ફેક એકાઉન્ટ દ્વારા તેના એકાઉન્ટ પર મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ રીતે મને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે હાર્દિક પટેલની કથિત સીડી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી તેવી સીડી મારી પણ જાહેર થઈ શકે છે. મારી પણ સીડી બનાવાઈ છે તેવી માહિતી મળી છે. હાર્દિકની સીડી મોર્ફ કરીને બનાવી હોવાનું કહી નિખિલે હાર્દિકનો બચાવ કર્યો હતો.
વધુમાં નિખિલે જણાવ્યું હતું કે ભાજપ ગુંડાગર્દી ઉપર ઉતરી આવી છે. રેશમા પટેલ અને વરૂણ પટેલને પણ ધમકાવ્યા હતા. હવે સુરતના મુકેશ પટેલ દ્વારા મને ધમકી આપવામાં આવી છે કે કોંગ્રેસ વિરૂધ્ધ નિવેદનો આપ નહીં તો હાર્દિક જેવી સીડી જાહેર થશે. તેમજ મને ભાજપની વિરૂદ્ધના કામો બંધ કરવા પણ કહેવાયું છે. મારા પરિવાર અને મને જીવનું જોખમ છે. મને અકસ્માતમાં મારી નાંખવા માટેના પ્રયાસ પણ થાય એમ છે. ત્યારે મને અને મારા પરિવારને કંઈ પણ થશે તો તેના માટે ગુજરાત સરકાર જવાબદાર ગણાશે.
નિખિલ સવાણીના આક્ષેપો અંગે જવાબ આપતા ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલે કહ્યું કે અમે એવા કોઈ કામ કર્યા જ નથી કે અમારી સીડીઓ બહાર પડે. તેમજ ભાજપ સાથે સોદાબાજી થઈ હોવાનો આરોપ ખોટો છે કહીને નિખિલના આરોપોને વરૂણ પટેલે ફગાવ્યા હતા.