અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ દ્વારા થતી દારૂની વહેંચણીને બંધ કરાવવામાં આવે. તેવા આક્ષેપ સાથે દરિયાપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્ય અધિકારીને પત્ર પાઠવ્યો છે. સાથે જ તેમણે દરિયાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ભરત બારોટના સગા ભાઈ ડીવાયએસપી અતુલ બારોટ દ્વારા સ્થાનિક બુટલેગરોને સાથે રાખી છેલ્લા બે દિવસથી દારૂની વહેંચણી કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ કરી બોગસ મતદાનનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનું જણાવી અતુલ બારોટને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને અસામાજિક તત્ત્વોના ધંધા બંધ કરવા પત્રમાં રજૂઆત કરી છે. દરિયાપુર મત વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં આવેલ નાગોરીવાડ તથા શંકરભુવનમાં તથા માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં વડોદરા રેલવે વિભાગમાં ફરજ બજાવતા ડીવાયએસપી અતુલ બારોટ કે જે દરિયાપુર વિધાનસભા ભાજપના ઉમેદવાર ભરત બારોટના સગા ભાઈ છે કે જે સ્થાનિક બુટલેગરોને સાથે રાખી ઈંગ્લીશ અને દેશી દારૂની છેલ્લા બે દિવસથી વહેંચણી કરવામાં આવી રહી છે માટે તાત્કાલિક ઉપરોકત વિસ્તારોમાં દારૂનો ધંધો કરતા અસામાજિક તત્ત્વોના ધંધા બંધ કરાવવામાં આવે અને ડીવાયએસપી અતુલ બારોટને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવે. શાહપુર હલીમની ખડકી ખાતે આવેલ જીવણકમળશીની પોળ ખાતેથી દારૂની મોટા પ્રમાણમાં વહેંચણી કરવામાં આવી રહી છે તે માટે તાત્કાલિક રેડ કરીને ચકાસણી કરવામાં આવે. ડીવાયએસપી અતુલ બારોટ ચૂંટણીના દિવસે સ્થાનિક બુટલેગરોનો સહારો લઈ મોટા પાયે શાહીબાગ, કાલુપુર, શાહપુર, દરિયાપુર, દૂધેશ્વર વિસ્તારમાં મતદાન મથકો કરી બોગસ મતદાન કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે માટે તાત્કાલિક અતુલ બારોટને અમદાવાદ શહેરમાં પ્રવેશ બંધી કરવામાં આવે તથા તમામ મતદાન મથકોની ઉપર વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવે. ડીવાયએસપી અતુલ બારોટ વડોદરા રેલવેમાં તેમની ફરજ ઉપર હાજર છે કે તેમની સઘન ચકાસણી કરવામાં આવે. એમ દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.