(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
ભારતીય જનતા પાર્ટીએ ધીમે ધીમે પાછલા બારણે દેશમાં ગોડસેની વિચારધારાને પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી છે. પહેલા લોકો ગોડસેનું નામ લેતા પણ ડરતા હતા પરંતુ ભાજપના શાસનમાં ભાજપના જ સાંસદો, નેતાઓ ગોડસેને દેશભક્ત કહી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કે આર.એસ.એસ. ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ કયારેય ગાંધી વિચારધારાને ભુલાવી શકશે નહીં. આ ગાંધી વિચારધારા જ દેશને એક અને અખંડિત રાખવામાં મુખ્ય પરિબળ બની રહેશે.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ ના સમાપન પ્રસંગે સરદારબાગ થી કોચરબ આશ્રમ પદયાત્રા પુર્ણ થયા બાદ ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત યાત્રીઓ, યુવાનો, મહિલાઓ અને કોંગ્રેસપક્ષના પદાધિકારીઓને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ ઉપર મુજબ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીજીના વિચાર સાથે કોંગ્રેસનો કાર્યકર લોકોનો અવાજ – પ્રજાની ઢાલ બનશે અને ભાજપ સરકાર સામે લડતનું નેતૃત્વ કરશે. ગાંધી સંદેશ યાત્રાથી ગુજરાત અને દેશમાં સરકાર દ્વારા મોટર વ્હિકલ એક્ટના નામે જે કાયદો થોપવામાં આવ્યો. તે કાયદાની અન્યાયી જોગવાઈ સામે સવિનય કાનુન ભંગ દ્વારા પ્રજાને ન્યાય આપવાની માંગ કરવામાં આવી. કોઈ સરકારને લુટવાનો પરવાનો આપી શકાય નહી. આ વિરોધને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે ગાંધીના ચિંધ્યા માર્ગે ગાંધી સંદેશ યાત્રા શરૂ કરી જે દરમ્યાન સવિનય કાનુન ભંગ કર્યો છે. સરકારે ઈ-મેમો આપવાની વાત કરી, ડરાવવાનો પ્રયત્ન કર્યો, ડીટેન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોંગ્રેસપક્ષનો એક પણ કાર્યકર પાછો ફર્યો નહી. આ પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત સંગઠન પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એક વિચારધારા મહાત્મા ગાંધીની અને બીજી વિચારધારા ગોડસેની છે. આજે ગોડસેની વિચારધારાને મજબુત કરવા માટે શાસકો કામ કરતા હોઈ તેવા સમયે વિશ્વને માર્ગદર્શક ગાંધી વિચાર એ સમયની માંગ છે. મહાત્મા ગાંધીનુ જીવન સત્ય, સાદગી, અહિંસા સહિતના સિધ્ધાંતો પર ટકેલુ હતુ ત્યારે આપણે સૌ સામાન્ય નાગરીકોના જીવનમાં પરિવર્તન આવે તે દિશામાં નિષ્ઠા પૂર્વક કામ કરીએ. ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે.
વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ ગાંધી અને સરદારનું ગુજરાત જેણે અંગ્રેજોની ગુલામીની ઝંઝીરો તોડીને દેશને આઝાદી અપાવવા નેતૃત્વ પુરુ પાડ્યું હતું. તે જમાનો હતો કે બે ગરવા ગુજરાતીઓએ સત્ય અને અહિંસાના માર્ગે દેશને આઝાદી આપવાનું કામ કર્યું પણ કમનસીબે આજ બે ગુજરાતીઓ અસત્ય અને હિંસાની રાહે દેશની નવી પેઢીને ગુલામ બનાવવાનું ષડીયંત્ર રચી રહ્યાં છે ત્યારે એક ગાંધીએ જેણે સામી છાતીએ ત્રણ-ત્રણ ગોળી ખાધી અને હૃદયમાંથી હે રામ… ઉદગાર કાઢ્યો હતો અને એજ ગાંધી અને સરદારના ગુજરાતમાં રામ બોલો ભાઈ રામની ઘરેઘરે રમખાણ થઈ છે.
અંગ્રેજોના સમયમાં પણ અધિકારોના આંદોલનમાં મંજુરીની જરૂર નહતી. ગાંધી અને સરદારે બંધારણના સથવારે લોકશાહીમાં પ્રાણ પુર્યા. એજ ગરવુ ગુજરાત, એજ હિંદુસ્તાન ફરી પાછુ ક્યાકને ક્યાક ગુલામીની ઝંઝીરોમાં જકળાયેલું છે. સંવિધાનીક સંસ્થાઓ સમાપ્ત થઈ રહી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે હું પણ ગાંધી, તુ પણ ગાંધી આપણે સૌ ગાંધીની વાતને ગુજરાતને ગામે ગામ સુધી પહોંચાડવી પડશે. સત્ય અને અહિંસાના માર્ગે સંભાવ, સદભાવ અને સમરસતાના દ્વારા બીજી આઝાદીની લડાઈનો સંપલ્પ કરવો પડશે.