(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૮
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ચૂંંટણી ટાંણે બેફામ વાણી વિલાસથી ભાજપ પક્ષમાં વિવાદ ઉભો થયો છે. જે લોકો કમળના નિશાનને મત નહીં આપે તેને ઠેકાણે પાડી દઇશ તેવું નિવેદન કરનાર મધુ શ્રીવાસ્તવને પક્ષે ઠેકાણે પાડી દીધો છે અને હવેથી પક્ષના કાર્યક્રમમાં તેને બોલવા દેવામાં નહીં આવે તેવો આંતરીક નિર્ણય લેવામાં આવ્યો છે.
ગત તા.૩ એપ્રિલના રોજ વાઘોડિયા ખાતે યોજાયેલી ભાજપની એક જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના સંબોધનમાં કમળના નિશાન સામે મત આપવા જણાવ્યું હતું અને જો તેમ નહીં કરો તો આવા લોકોને હું ઠેકાણે પાડી દઇશ તેમ જણાવ્યું હતું. મધુના આ નિવેદનના પગલે વિવાદ ઉભો થયો હતો. મધુના આ વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થતા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને આ મામલે રજૂઆત કરાઇ હતી અને ભાજપ હવે ધાકધમકીના જોરે મતદારોને દબાણ કરી રહી છે તેવો આક્ષેપ કરાયો હતો. મધુ શ્રીવાસ્તવના વાણી વિલાસને કારણે પક્ષને પણ નુકશાન વેઠવું પડી રહ્યું છે. વડોદરા લોકસભા બેઠકના ઇન્ચાર્જ તથા કાર્યકારી શહેર પ્રમુખ ભુપેન્દ્ર લાખાવાલા તથા જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમાએ આ અંગેનો સંપૂર્ણ અહેવાલ પ્રદેશમાં મોકલી આપ્યો હતો. જે બાદ હવેથી ભાજપની આગામી જાહેરસભામાં મધુ શ્રીવાસ્તવને જાહેરમાં પ્રચારમાં બોલવા દેવામાં નહીં આવે તથા પ્રચારક તરીકે તેને જોડે નહીં રખાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ લોકોને ઠેકાણે પાડવાની વાતો કરનાર મધુ શ્રીવાસ્તવ પોતે જ હાલમાં ઠેકાણે પડી ગયા છે.

ધારાસભ્યને ગેરલાયક ઠેરાવી મતદાન પ્રક્રિયા સ્થગિત કરવા માંગ

વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને અને મીડિયાના રિપોર્ટરને કેમેરાની સામે જાહેરમાં ઠેકાણે પાડી દેવાની આપેલી ગર્ભીત ધમકીની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને જ્યાં સુધી પગલા ના લેવા ત્યાં સુધી વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારની મતદાનની પ્ર ક્રિયાને અટકાવીને સ્થગિત કરવા માટે ચુનાવ આયોગને અને તેમને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવીને તેમને ધારાસભ્યના પદને રદ્દ કરવાની માંગણી કરતી ફરિયાદ સામાજીક કાર્યકર અને ટીમ આરટીઆડના પ્રમુખ અંબાલાલ પરમારે ચુનાવ આયોગને અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આજે કરી છે અને આગળ હજુ તેમની ફરીયાદ ભાજપના શહેર-પ્રદેશ પ્રમુખને અને મુખ્યમંત્રી રૂપાણીને પણ કરવાના છે તેમ અંબાલાલ પરમારે જણાવ્યું છે.