(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૧૫
હાર્દિક પટેલ દ્વારા ગુજરાતભરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ જનઅધિકાર સંમેલનો ઠેર-ઠેર યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગતરોજ રાત્રીના ભરૂચ જિલ્લાના સરભાણ ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં હાર્દિક પટેલે સરકાર પર આકરા તેજાબી વાકપ્રહારો કર્યા હતા. સરકાર પર હલ્લો બોલતા હાર્દિક જણાવ્યું હતું કે, વિધાનસભામાં બેઠેલા ૧૮૨ નપુસકો સુધી આપણો અવાજ પહોંચાડવા માટે ગુજરાતનો ખૂણે-ખૂણો ફેંદી રહ્યો છું. પાટીદારોના હક માટે લડી રહ્યો છું. ૯ તારીખે નવરાઓને અને ૧૪ તારીખે ચવદશિયાઓને મુહતોડ જવાબ આપી દેવા હાર્દિકે આહ્‌વાન કર્યો હતો. સરભાણ ખાતે જેમ આતંકવાદી આવવાનો હોય તેમ મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે જ્યારે તોફાનો કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે ત્યારે પોલીસ દેખાતી પણ નથી. વધુમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે. કોઈપણ સમાજના લોકોની વાત ધ્યાને ધરવામાં આવતી નથી. ગતિશીલ ગુજરાત અને મોડેલ ગુજરાતની માત્ર ઠગારી વાતો કરી લોકોને મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ખેડૂતોના માથે દેવું છે જ્યારે ૮૦ લાખથી વધુ શિક્ષિત યુવકો બેરોજગાર છે. સરકાર પાસે હું પાટીદાર સમાજ માટે રોજગારી અને ખેડૂતો માટે સહાય માંગી રહ્યો છું. ચૂંટણી આવશે એટલે હિંદુ-મુસ્લિમો વચ્ચે કોમી તોફાનો કરાવાશે ગુજરાતમાં આતંકવાદીઓ આવી પહોચશે તેવી વાર્તાઓ ઘડીને લોકોને ભ્રમિત કરાશે તેમ જણાવ્યું હતું. વડોદરા જિલ્લામાં ખેડૂતો સહુથી વધુ પરેશાન હોવાનું જણાવી ગુજરાતની જનતાએ આ વખતે ખેડૂત વિરોધીઓને શબક શીખવાડી દેવો જોઈએ તેવી માર્મિક ટકોર કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે, જુઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું ભાજપનું નિત્યક્રમ બની ગયું છે. આ લોકોએ ૨૫ વર્ષ સુધી કમળનું તુરૂ જ્યુસ સાકર ભેળવી તેને મીઠું બનાવી ગુજરાતીઓને પીવડાવી મુર્ખ બનાવ્યા. આજે સરકારી સ્કૂલોમાં ધોરણ-૪ના પાઠ્યપુસ્તકમાં હિંદુ-મુસ્લિમ, સીખ, ઈસાઈ ભાઈ-ભાઈ જ્યારે ધો-૧૨મા હિંદુ-મુસ્લિમ, સીખ, ઈસાઈની તેઓના ધર્મ મુજબ વહેચણી કરી અલગ ઓળખ આપવામાં આવી રહી છે. પાટીદાર સમાજના સરકારમાં બેઠેલા લોકો પર વ્યંગબાણ ફેકતા કહ્યું હતું કે, ૪૦-૪૫ નપુસક ધારાસભ્યોને બદલે ૪ કે ૫ મજબૂત ધારાસભ્યો વિધાનસભામાં મોકલો જે પાટીદારોના હિત અને અધિકારોની વાત કરે. હાર્દિકે સરકારને ચેતવણી આપી હતી કે, મને જેટલો હેરાન કરવો હોય તેટલો કરી લોં, હું ખેડૂતો અને રોજગારીના મુદ્દાથી ભટકવાનો નથી. રાષ્ટ્ર-દ્રોહના વિવિધ ગુનાઓમાં મને સજા થાય તેની પણ મને પરવા નથી. હું સમાજ માટે અંત સુધી લડવા મક્કમ છું.