(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
ભારતીય જનતા પક્ષ એક તરફ દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાં અપક્ષ ઉમેદવારોને કે નાના પક્ષોમાંથી ઉમેદવારોને ઊભા રખાવી મુસ્લિમ ઉમેદવારને જીતતા અટકાવવા માંગે છે. બીજી તરફ એટલા જ બમણા જોશથી સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને યુવાનો આગળ આવી રહ્યા છેે અને ઠેર ઠેર અપક્ષ ઉમેદવારોને ભગાવોના બેનરો મારી પ્રજાને જાગૃત કરી રહ્યા છે. ગુજરાતમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈને વિધાનસભામાં ન પહોંચે તેવો ભાજપનો એજન્ડા છે. જેના ભાગરૂપે તેઓ ધીમે ધીમે મુસ્લિમ નેતૃત્વ ખતમ કરી રહ્યા છે. આથી હાલ ગુજરાતમાં દરિયાપુર અને વાંકાનેર એમ બે મુસ્લિમ ધારાસભ્યો છે તેમને પણ હરાવવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ર૦૧રમાં દરિયાપુર વિધાનસભામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને હરાવવા ભાજપે તમામ તાકાત કામે લગાડી દીધી હતી. ખુદ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વિસ્તારમાં રોડ-શો કર્યો હતો. મુુુસ્લિમ મતદારોને લાલચ, ધાકધમકી આપવામાં આવી હતી. બુટલેગરોને કે માથાભારે તત્ત્વોને નાણાં આપી મતદારોને મતદાન કરતા અટકાવવા જવાબદારી સોંપી હતી તેમ છતાં ગ્યાસુદ્દીન શેખ વિજયી થયા હતા. એ જ રીતે આગામી ચૂંટણી માટે પણ ભાજપે મુસ્લિમ બહુમતી ધરાવતી દરિયાપુર, જમાલપુર, વાંકાનેર, વાગરા, સુરત પૂર્વ અને ભૂજ બેઠક પર મુસ્લિમ ઉમેદવારોને હરાવવા મેલીરમત શરૂ કરી દીધી છે. તેમાંય દરિયાપુર બેઠક તેમના ખાસ નિશાના પર છે કારણ કે, આ બેઠક પર ચૂંટણી લડતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ગરીબ, મધ્યમ વર્ગ, લઘુમતીઓ અને પછાત વર્ગોના પ્રશ્નો માટે સરકાર સામે ઉગ્રતાથી લડત આપી રહ્યા છે અને સરકાર પર ભારે દબાણ ઊભું કરી તેમને પ્રજાકીય કામો કરવા મજબૂર કરી રહ્યા છે આથી જ તેઓ ભાજપને આંખમાં કણોની જેમ ખૂચે છે. આ જ કારણસર દરિયાપુર બેઠક પર ભાજપે વધુમાં વધુ અપક્ષો ઊભા રહે તે માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી છે. બીજી તરફ ભાજપ મુસ્લિમો સાથે દગો કરી નેતૃત્વ વિહોણો બનાવવા માંગે છે. તેવી પ્રજાને જાણ થતાં દરિયાપુપર વિધાનસભા મત વિસ્તારમાં પ્રજા જાગૃત બની છે. ભાજપની ચાલને સફળ ન થવા દેવા મુસ્લિમ આગેવાનો સ્વયં આગળ આવ્યા છે અને ઠેર ઠેર સોસાયટીઓ, પોળ, ગલીના નાકે અને રસ્તાઓ પર અપક્ષ ઉમેદવારો ભગાવોના બેનરો મારી પ્રજાને જાગૃત કરી રહ્યા છે. મુસ્લિમ આગેવાનોએ માત્ર દરિયાપુર વિધાનસભા જ નહીં તમામ બેઠકની પ્રજાને અપીલ કરી છે કે, જ્યાં પણ સક્ષમ અને જીતી શકે તેવા ઉમેદવાર હોય ત્યાં એક તરફી જંગી મતદાન થાય એ માટે આજથી જ પ્રજાને જાગૃત કરવાનું શરૂ કરી દો. બની શકે તો ડોર ટુ ડોર જઈ ભાજપ તરફી અપક્ષ ઉમેદવારોના ઈરાદા નિષ્ફળ બનાવે નહીં તો એક પણ મુસ્લિમ ધારાસભ્ય વિધાનસભામાં પહોંચી શકશે નહીં.

મુસ્લિમ કે બિનમુસ્લિમ મહિલાઓને કાર્યક્રમમાં બુરખા પહેરી લાવવા યોજના

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દરિયાપુર બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા મક્કમ બન્યા હોય તેમ દરિયાપુર બેઠક પર તેમણે વિશેષે ધ્યાને કેન્દ્રીત કર્યું છે. આથી જ ભાજપ દ્વારા આવતીકાલે તા.૨૬મી એ રાજ્યના ૫૦ હજાર જેટલા બુથો પર યોજાનારા ‘મન કી બાત, ચાય કે સાથે’ કાર્યક્રમમાં અમિત શાહને દરિયાપુરની જવાબદારી સોંપવામાં આવી છે. આથી અમિત શાહ કાલે સવારે દરિયાપુર વાડીગામ, તંબુ ચોકી પાસે ૫૮ નંબરના બુથ પર ઉપસ્થિત રહેશે. આ એ જ જગ્યા છે. જેની નજીકથી થોડા સમય અગાઉ એક મહિલા અને તેનો પુત્ર કચરા પેટીમાં દેશીબોમ્બ ફેંકી ગયા હતા અને દહેશત ફેલાવવાની કોશિશ કરી હતી. પરંતુ પ્રજાએ આ ષડયંત્રને સફળ થવા દીધું ન હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓની હાજરી બતાવવા મોટી સંખ્યામાં મહિલાઓને બુરખા પહેરી આવવા કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. જો મુસ્લિમ મહિલાઓ આવવા તૈયાર ન થાય અથવા તો ઓછી સંખ્યા થાય તો બિનમુસ્લિમ મહિલાઓને પણ બુરખો પહેરાવી કાર્યક્રમમાં લાવવા તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.