(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારો તેમના વિસ્તારમાં પ્રચારકાર્યમાં જોતરાઈ ગયા છે ત્યારે અમદાવાદ શહેરની દરિયાપુર વિધાનસભા બેઠક પર મુસ્લિમ ઉમેદવારને હરાવવા ભાજપે મુસ્લિમોના જ ખભે બંદૂક ફોડી કેવા કેવા દાવપેંચ રમ્યા છે તેની આજે પોલ ખુલી ગઈ છે. અપક્ષ ઉમેદવાર રાજુ મોમીને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની શૈક્ષણિક લાયકાતનો પ્રશ્ન ઉઠાવી તેમની ઉમેદવારી રદ કરવા ધમપછાડા કર્યા હતા પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેમના વાંધા રદ કરી ગ્યાસુદ્દીન શેખનું ફોર્મ માન્ય કર્યું હતું. અમદાવાદની દરિયાપુર બેઠક કોઈપણ ભોગે કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ભાજપે મેન, મશીન, મસલ્સ પાવરનો અને મુસ્લિમ ઉમેદવારોના ખભાનો ઉપયોગ શરૂ કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જાતે રસ દાખવી દરિયાપુર બેઠક ખૂંચવી લેવા અધિરા બન્યા છે એ માટે સૌપ્રથમ મતદારયાદીમાંથી ઉમેદવારોના નામ ગુમ કરવા, ભાજપ તરફી મૌલાનાઓને બોલાવી પ્રચાર કરાવવો, રાયફલ ક્લબમાં રાજુ મોમીન સહિત મુસ્લિમ આગેવાનોને બોલાવી, કૌશિક જૈન અને અન્યો દ્વારા અપક્ષ તરીકે ઊભા રખાવવા રૂા.પ૦ લાખની ઓફર કરી હોવાનો આક્ષેપ ખુદ કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર રાજુ મોમીનના સાથીદારે કર્યા હતા.રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવા ભાજપે જે કાવાદાવા કર્યા હતા તેવા જ કાવાદાવા દરિયાપુર બેઠક ખૂંચવી લેવા થઈ રહ્યા છે. આથી આ ચૂંટણી ૧૮ર બેઠકો માટે નહીં પરંતુ દરિયાપુર માટે લડાતી હોય તેવું મતદારોને લાગી રહ્યું છે. ભાજપને દરિયાપુરમાં પોતાની દાળ ગળતી ન જણાતા કોંગ્રેસના જ કેટલાક મોટા માથાઓને પડદા પાછળ ભૂમિકા ભજવવા જણાવ્યું હતું. જેઓએ ભાજપને સાથ આપવા ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાય છે.વાત એટલેથી ન અટકતા અત્યારસુધી પડદા પાછળ ભૂમિકા ભજવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મન કી બાત ચાય કે સાથ ચર્ચાનો કાર્યક્રમ કરવા દરિયાપુર વિસ્તારની જ પસંદગી કરી અને એવો ખેલ રચ્યો કે બીજા જ દિવસે એટલે કે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે ૧૧ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આમ ભાજપે તેનું સમગ્ર ધ્યાન દરિયાપુર બેઠક કોંગ્રેસ પાસેથી ખાસ કરીને જાગૃત અને બોલકા ધારાસભ્ય કે જે ભાજપને આંખના કણાંની જેમ ખૂંચે છે તે ગ્યાસુદ્દીન શેખને હરાવવા કેન્દ્રિત કર્યું છે. આટઆટલું ઓછું હોય તેમ આજરોજ ફોર્મ ચકાસણી કરવાના દિવસે અપક્ષ ઉમેદવાર રાજુ મોમીને ગ્યાસુદ્દીન શેખની શૈક્ષણિક લાયકાત અંગે વાંધો ઉઠાવી તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ધમપછાડા કર્યા હતા. પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેમના વાંધા ફગાવી ગ્યાસુદ્દીન શેખનું ફોર્મ માન્ય કર્યું હતું. આમ ભાજપે ગ્યાસુદ્દીન શેખને હરાવવા તમામ તાકાત કામે લગાડી દીધી છે ત્યારે સ્થાનિક પ્રજાએ પણ આ તમામ મેલી રમતને નિહાળી અપક્ષોને નહીં ફાવવા દેવા ઝુંબેશ શરૂ કરી દીધી છે.

અપક્ષ મુસ્લિમ ઉમેદવાર નજીકનો સગો હોય તો પણ મત ન આપતા

ગુજરાત વિધાનસભાને મુસ્લિમ ધારાસભ્ય મુક્ત બનાવવા ભાજપે કમરકસી છે તો મુસ્લિમોએ પણ વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવારને ચૂંટી લાવવા સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. જેમાં બિનસાંપ્રદાયિક લોકોનો ટેકો પણ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સંદેશામાં જણાવાયું છે કે મુસ્લિમ મતોનું વિભાજન કરવાના ભાજપે પ્રયત્નો શરૂ કરી દીધા છે ત્યારે અપક્ષ મુસ્લિમ ઉમેદવાર તે ભલે તમારો સગો બાપ, ભાઈ, સાળો, બનેવી, વેવાઈ કે સાવ નજીકનો અંગત સંબંધી હોય તો પણ મત કદીએ ન આપતા, કારણ કે પ૦૦થી પ૦૦૦ મુસ્લિમ મતો બગાડવાનો આશય છે. આખા ગુજરાતમાં શયતાની પક્ષના દિમાગની શયતાની ચાલ છે. જેને ગુપ્ત મતદાન કરી ગુપ્ત રાહે તોડી પાડો. આપના પરિવારને તેમજ તમામ લોકોને તેમજ ઉમેદવારોને પણ રાજકીય રમત સમજાવી ગુપ્ત મતદાન કરી શયતાની ચાલનો ખાનગીમાં ઘડો લાડવો કરી નાખવો.