(એજન્સી) કોલકાતા, તા. ૮
કલકત્તા હાઇકોર્ટ દ્વારા ઇન્કાર કર્યા બાદ પણ ભાજપ તરફથી રથયાત્રા કાઢવાને કારણે કેસદાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાજુ બેનરજી અને રાહુલ સિંહાને આરોપી બનાવાયા છે. કલકત્તા હાઇકોર્ટે રથયાત્રા મામલે આગામી સુનાવણી માટે ૧૪મી ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રથયાત્રા તેના નક્કી કાર્યક્રમ અંતર્ગત થશે. આ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં રથયાત્રા માટે જો જરૂર પડશે તો પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી પણ જશે.
કલકત્તા હાઇકોર્ટની સિંગલ બેંચે એવા આદેશ વિરૂદ્ધ ભાજપ તરફથી દાખલ કરેલી અરજીને મોકૂફ રાખી હતી જેમાં પાર્ટીને તેની રથયાત્રા કાઢવા માટે પરવાનગી આપવાનો ઇન્કાર કરાયો હતો. અદાલતે નિર્દેશ આપ્યો હતો કે, મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશક ૧૨ ડિસેમ્બર સુધી ભાજપના ત્રણ પ્રતિનિધિઓ સાથે બેઠક કરે અને ૧૪ ડિસેમ્બર સુધી આ કેસમાં કોઇ નિર્ણય કરે. અદાલતના આ નિર્ણય પહેલા મીડિયા સાથે વાત કરતા વિજયવર્ગીયએ કહ્યું હતું કે, જો જરૂર પડશે તો અમે ન્યાય માટે સર્વોચ્ચ અદાલતમાં પણ જઇશું. કલકત્તા હાઇકોર્ટે ભાજપના એ પત્રોનો કોઇ જવાબ નહીં આપવા માટે શુક્રવારે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી જે તેણે રાજ્યમાં તેની રથયાત્રા કાઢવા માટે પરવાનગી માગવા સોંપ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે સૂરમાં સૂર મિલાવતા વિજયવર્ગીયએ કહ્યું કે, પાર્ટી તરફથી કોઇ ચૂક નથી થઇ અને સમગ્ર પાર્ટી એકજૂથ છે તથા રાજ્ય ભાજપ અધ્યક્ષ સાથે છે. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે હાઇકોર્ટની ખંડપીઠના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે અદાલતના આ નિર્ણયથી આભારી છીએ. રાજ્ય સરકારને ઘણા દિવસોથી અમારી સાથે ચર્ચા કરવાનો સમય ન હતો અને હવે તેઓ ચર્ચા કરવા માટે બેસશે.