ભાવનગર, તા.૪
ભાવનગર જિલ્લામાં આજે પાલિતાણા અને મહુવા ખાતે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણીમાં ઘણા રાજકીય સમીકરણો બદલાતા જેમાં પાલિતાણા ખાતે ભાજપે પોતાનું શાસન બરકરાર રાખ્યું છે જ્યારે મહુવામાં વર્ષોથી ભાજપ પાસે નગરપાલિકાનું શાસન હતું તે શાસનનો આજે અંત આવતા પાછલા બારણે કોંગ્રેસને નગરપાલિકાનું શાસન મળી ગયું છે.
મહુવામાં ભાજપની નિષ્ક્રિયતાને કારણે આજે નગરપાલિકામાંથી તેના શાસનનો અંત આવ્યો છે અને કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ મળી જવા પામ્યું છે. જો કે મહુવામાં ઘણા સમયથી મહુવાને જિલ્લો બનાવવા માટે પ્રબળ માગણી થઈ હતી અને આ માગણીના ટેકામાં ભાજપના કોઈ આગેવાને રસ નહીં દાખવતા રાજકીય રીતે ભાજપના અનેક આગેવાનો પક્ષથી નારાજ હોયને જેનો સીધો લાભ કોંગ્રેસને મળી જતા મહુવા નગરપાલિકાનું શાસન કોંગ્રેસના હાથમાં આવી જવા પામ્યું છે. પાલિતાણામાં ભાજપને પોતાનું શાસન જાળવવા માટે છેલ્લા પાંચ દિવસથી કોંગ્રેસના ચાર જેટલા નગરસેવકોને નજરકેદ કરીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જેમાં આજે નજરકેદ થયેલા તમામનો છૂટકારો થયો હતો અને પાલિતાણાની નગરપાલિકાની બેઠકમાં ચારેય નગરસેવકોને લાવવામાં આવ્યા હતા. પરંતુ આ ચાર પૈકી બે નગરસેવકો તો અચાનક છુમંતર થઈ ગયા અને બાકીના બે નગરસેવકો બોર્ડમાં હાજર રહ્યા અને નગરપાલિકાના બોર્ડમાં મતદાન શરૂ થતા જેમાં ભાજપને ર૩ નગરસેવકોના મતો મળતા પ્રમુખ તરીકે જયપાલસિંહ ગોહિલનો વિજય થયો હતો અને ઉપપ્રમુખ તરીકે ઉસ્માનભાઈ સુવાણીનો વિજય થયો હતો. આ પ્રમુખ પદની ચૂંટણીમાં તાજેતરમાં ભાજપમાંથી કોંગ્રેસના ગયેલા પ્રવિણભાઈ ગઢવીએ ઉમેદવારી દાખલ કરી હતી અને પ્રવિણભાઈ ગઢવીને ૧૩ નગરસેવકોને ટેકો મળતા તેઓનો કારમો પરાજય થયો હતો. પાલિતાણા નગરપાલિકામાં રર નગરસેવકો ભાજપના છે, ૧૩ નગરસેવકો કોંગ્રેસના છે અને એક નગરસેવક સીપીએમમાંથી જીતીને આવેલા છે.
પાલિતાણામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રવિણભાઈ ગઢવીએ ઉમેદવારી નોંધાવી ત્યારે પ્રવિણભાઈ ગઢવી ભાજપના નગરસેવકો તોડીને લાવશે તેવો પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ પરિણામને અંતે પ્રવિણભાઈ ગઢવીની રાજકીય કારકિર્દીને નિષ્ફળતા મળતા તેઓના તમામ પાસા ઊંધા પડ્યા હતા અને તેઓને કારમો પરાજય વેઠવો પડ્યો હતો.
જ્યારે મહુવામાં આનાથી ઊલટું બન્યું અને મહુવામાં વર્ષોથી નગરપાલિકામાં શાસન કરનાર ભાજપને આજે સત્તાનો ત્યાગ કરવો પડ્યો હતો. મહુવામાં ૩૭ નગરસેવકોમાંથી કોંગ્રેસ પાસે માત્ર ૧૩ નગરસેવકો હતા અને કોંગ્રેસ પક્ષે ભાજપના ૮ નગરસેવકોને તોડી નાખ્યા અને કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરાવ્યું જેમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે મંગુબેન ધીરૂભાઈ બારૈયા વિજેતા બન્યા હતા અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ સેતા વિજેતા બન્યા હતા. આ મહુવાની નગરપાલિકામાંથી ભાજપના શાસનનો અંત આવ્યો હતો અને કોંગ્રેસને નગરપાલિકાનું સુકાન મળી ગયું હતું. જો કે, આ મિશન સફળ કરવામાં તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા તથા મહુવા ડો.કનુભાઈ કળસરિયા, ભરતભાઈ ઠાકર અને રાજ મહેતા અને ગભરૂભાઈ જાજડા સહિતના આગેવાનોએ તનતોડ મહેનત કરતા મહુવામાં નગરપાલિકાની અંદર કોંગ્રેસને સત્તા મળવા પામી છે.