(એજન્સી) કોલકાતા, તા.૬
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, તેઓ કોલકાતામાં ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ યોજાનારી મેગા રેલી માટે તમામ વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપશે. એક પત્રકાર પરિષદને સંબોધતાં મમતા બેનરજીએ ભાજપને હરાવવા માટે મહાગઠબંધનની ફરીવાર તરફેણ કરી હતી. તેઓએ કહ્યું કે, બંગાળમાં આગામી ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસ ભાજપને હરાવવા માગે છે. તેઓએ ઉમેર્યું કે, વિપક્ષી ગઠબંધન સાથે તેઓ નક્કી કરવા માગે છે કે, આગામી ચૂંટણીઓમાં ભાજપ એકપણ સીટ જીતી ના શકે. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં કોંગ્રેસ અને બીએસપી વચ્ચે ગઠબંધન ન બનવાના સવાલ પર મમતાએ કહ્યું કે, તેઓ યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કોંગ્રેસ સાથેના સંબંધમાં શું વલણ અપનાવ્યું છે તે અંગે હું હાલ કાંઇ ના કહી શકું. જોકે, મમતાએ કહ્યું કે, ૧૯મી જાન્યુઆરીની મહારેલી માટે તેઓ માયાવતી અને કોેંગ્રેસ બંનેને આમંત્રિત કરશે. તેઓ ખાતરી કરવા માગે છે કે ભાજપ બંગાળમાં એક પણ સીટ જીતી ના શકે. ભાજપના દાવપેચ બંગાળમાં કામ નહીં કરે. તેમણે કહ્યું કે, તેઓ કેરળના મુખ્યમંત્રી, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ, આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના વરિષ્ઠ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિનને આમંત્રણ આપશે. સીપીએમ અંગે વાત કરતા મમતાએ કહ્યું કે, તેઓ સતત મારા વિરૂદ્ધ કામ કરે છે પણ તેઓ તેમને પણ આમંત્રિત કરશે.