(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી ઘોષણાપત્ર ‘સંકલ્પ પત્ર’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત ઘોષણાપત્ર કમિટીના અધ્યક્ષ રાજનાથસિંહ દ્વારા જાહેર કરાયો હતો. ‘સંકલ્પિત ભારત, સશક્ત ભારત’ની ટેગલાઇન સાથે ભાજપે કહ્યુ કે, તે ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય વર્ષમાં કુલ ૭૫ વાયદા પુરા કરશે. ભાજપના મુખ્યમથક ખાતે સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાર્ટીનો ઘોષણાપત્ર ‘એક મિશન’, ‘એક ડાયરેક્શન’ જે ૨૦૧૪ના ભાજપના ઢંઢેરા ‘સબકા સાથ, સબકા વિકાસ’ જેવો જ છે. તેમણે કહ્યું કે, ઘોષણાપત્રમાં ત્રણ મુખ્ય વાતોનો ઉલ્લેખ છે. રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે, અંત્યોદય દર્શન છે અને સુશાસન મંત્ર છે. વન મિશન વન ડાયરેક્શનને લઇ આગળ વધવાનું લક્ષ્યાંક રાખ્યું છે. એક જ લાકડીથી બધાને હાંકી ના શકાય તેથી બધાને સામેલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસ મલ્ટિ લેયર એટલેકે બધાને ધ્યાન આપવાનો પ્રયાસ છે. જ્યાં જેવી જરૂર હોય ત્યાં તેને અનુરૂપ આગળ વધવા માગીએ છીએ. અમે એક અલગ જળ શક્તિ મંત્રાલય બનાવીશું. નદીના તટની સંસ્કૃતિમાં માછીમારો મોટું માધ્યમ છે.
પીએમ મોદીએ કહ્યું કે, જે કામ ૫૦-૬૦ના કાળખંડમાં થવો જોઇતો હતો તે કામ અમારે ૨૦૧૪માં કરવા પડ્યા. બધાને સાથે લઇને ચાલવાના પ્રયાસ છે. વિકાસને જન આંદોલન બનાવીશું. દિલ્હીના એસી રૂમોમાં બેસીને ગરીબીને પરાસ્ત કરી શકાય નહીં. ગરીબ જ ગરીબીને દૂર કરી શકે છે અને તેમને સશક્ત બનાવવા પડશે. તેમણે કહ્યું હું પરિવર્તનને બારીકાઇથી જોવું છું. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને દૂર કરવામાં અમને સફળતા મળી છે. શાસન વ્યવસ્થામાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. અમારો સંકલ્પ પત્ર સુશાસન પત્ર પણ છે અને રાષ્ટ્રની સુરક્ષા તથા સુશાસન પત્ર પણ છે. ૨૦૪૭માં દેશ વિકાસશીલથી વિકસિત બને તેના પ્રયાસ છે. તેનો પાયો અત્યારે નાખવો પડશે. આ દરમિયાન ઘોષણાપત્રના અધ્યક્ષ રાજનાથસિંહે કહ્યું કે, આ સંકલ્પ પત્રના માધ્યમથી અમે દેશની જનતાની આકાંક્ષાઓને વિઝન ડોક્યુમેન્ટના રૂપમાં રજૂ કરીએ છીએ. આ સંકલ્પ પત્રના માધ્યમથી અમે નવા ભારતના નિર્માણની દિશામાં આગળ કદમ વધારી રહ્યા છીએ. વિકાસનો ચાકડો ઝડપથી ચાલી રહ્યો છે. પીએમ પ્રત્યે જનતાનો વિશ્વાસ વધ્યો છે. દેશવાસીઓના મનમાં સુરક્ષાનો ભાવ ઉભો કરવામાં સફળતા મેળવી છે. અમે કરોડો લોકો સાથે સંપર્ક કર્યો છે. સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે. લોકોના મનની વાત સમજવાનો પ્રયાસ કર્યો છે. નિષ્ણાતો સાથે પણ વાત કરી છે. અમારા સંકલ્પ પત્રમાં ૭૫ સંકલ્પ છે. તેમણે સંકલ્પ પત્રની મુખ્ય બાબતોને ગણાવતા કહ્યું કે, રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી સંપૂર્ણ કટિબદ્ધતા છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ છે બીજી તરફ યુનિફોર્મ સિવિલ કોડ પ્રત્યે પણ કટિબદ્ધતા છે. તેમણે કહ્યું કે, ઘૂસણખોરી રોકવા માટે પણ જે કરવું હશે તે કરીશું. દેશની સુરક્ષા સાથે સરકાર કોઇપણ રીતે સમજૂતી નહીં કરે. રામ મંદિરને લઇ અમે અમારો જુનો સંકલ્પ પુનઃ ઉચ્ચારીએ છીએ. વહેલામાં વહેલી તકે સૌહાર્દપૂર્ણ માહોલમાં મંદિરનું નિર્ણાણ થાય તેવો અમારો સંકલ્પ છે. એક લાખની લોન પર પાંચ વર્ષ સુધી વ્યાજ ઝીરો હશે. બીજી તરફ દેશના ગામડાઓના વિકાસ માટે ૨૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર પાંચ વર્ષ સુધી વ્યાજ લેવામાં નહીં આવે. સીમાંત ખેડૂતોને ૬૦ વર્ષ બાદ પેન્શન પણ આપવામાં આવશે. અમે સંકલ્પ કર્યો છે કે, રાષ્ટ્રીય વેપાર પંચ બનાવીશું. દેશના નાના દુકાનદારોને પણ પેન્શન સુવિધા આપવામાં આવશે. ભારતમાં જે ક્ષેત્રીય અસંતુલન છે તેને સમાપ્ત કરીને જ જંપીશું. અમે એકસાથે ચૂંટણી યોજાવા અંગે પણ સંકલ્પ કર્યો છે. એક દેશ એક ચૂંટણીનો પ્રયાસ છે. કેન્દ્ર-રાજ્યના સંબંધોને મજબૂત કરવા માટે વધુ પગલાં ભરવામાં આવશે. ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. તમામ સિંચાઇ યોજનાઓને પુરી કરવાનો પ્રયાસ છે. એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠકો વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. લો કોલેજોમાં બેઠકો વધારવાની દિશામાં કામ કરવામાં આવશે. તમામ ઘરોને વિજળી પુરી પાડવાનું લક્ષ્યાંક છે. સાથે જ તમામ ઘરોને પીવાના પાણી અને શૌચાલયો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ છે. ૨૦૨૨ સુધી તમામ રેલવેના પાટાઓને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવામાં આવશે. આયુષ્યમાન યોજના અંતર્ગત ૧.૫ લાખ નવા વેલનેસ સેન્ટર ખોલવામાં આવશે. ૭૫ નવી મેડીકલ કોલેજો પણ ખોલવામાં આવશે. ગુડ ગવર્નન્સ અંતર્ગત પાંચ કિલોમીટર સુધી બેંકિંગ સુવિધા પુરી પાડવાનું પણ લક્ષ્યાંક છે.