(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
ભાજપે પોતાના મુખ્યમથકેથી ઘોષણાપત્ર જારી કર્યો પરંતુ તેમાં સૌૈથી મોટો સવાલ એ હતો કે, પાર્ટીના સંસ્થાપક લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી મંચ પર હાજર ન હતા. જોકે પહેલા અહેવાલ આવ્યા હતા કે, ઘોષણાપત્ર જારી થતા પહેલા અમિત શાહ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળશે પણ બાદમાં નક્કી કરવામાં આવ્યું કે, બંને વરિષ્ઠ નેતાઓ સાથે સાંજે મુલાકાત કરાશે. ભાજપના ઇતિહાસમાં કદાચ પહેલીવાર બન્યું હશે કે, લોકસભા ચૂંટણી માટે જારી થયેલા ઘોષણાપત્રમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર ન હતા. સૌથી મહત્વની વાત એ છે કે, ૨૦૧૪નો ઘોષણાપત્ર બનાવવામાં મુરલી મનોહર જોશીની આગેવાની હતી. ગત વર્ષે ૧૬મી ઓગસ્ટે પાર્ટીના સંસ્થાપક સભ્ય અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું નિધન થયું હતું. અટલ અને અડવાણીએ મળીને જ પાર્ટીની સ્થાપના કરી હતી. ક્યારેક બે બેઠકો જીતનારી ભાજપને અહીં સુધી પહોંચાડવામાં અડવાણીનીસંગઠન ક્ષમતા અને રણનીતિનું મોટું યોગદાન રહ્યું છે તો બીજી તરફ અટલબિહારી વાજપેયી પોતાના ભાષણોને કારણે લોકપ્રિય નેતા બન્યા હતા. ત્યારબાદ ભાજપની ઓળખ સમાન મુરલી મનોહર જોશી આવે છે તેઓ પણ ઘોષણાપત્રની જાહેરાત સમયે ગેરહાજર હતા. ક્યારેક ભાજપના કાર્યકરોનો નારો હતો ‘‘ભારત માંની ત્રણ ધરોહર, અટલ-અડવાણી અને મુરલી મનોહર’’. હાલ ભાજપ સંપૂર્ણપણે મોદીમય થઇ ગયો છે. તસવીરો અને મંચો પરથી જુના નેતાઓને ગાયબ કરી દેવામાં આવ્યા છે અને આ લોકસભા ચૂંટણીમાં અડવાણી અને જોશીની ટિકિટો પણ કાપી નાખવામાં આવી છે.