(એજન્સી) કોલકાતા, તા. ૧૧
અમિતશાહ કોલકાતા આવે તેના એક દિવસ પહેલા જ શહેરના માયો રોડ ખાતે રેલીના સ્થળની આસપાસ ‘ભાજપ ગો બેક’ના પોસ્ટર્સ લાગી ગયા હતા. પોસ્ટર્સમાં ‘ભાજપ લીવ બંગાળ’ અને ‘એન્ટી બંગાળ ભાજપ ગોબેક’ સ્પષ્ટ વાંચી શકાય છે. પશ્ચિમ બંગાળની ભાજપ પાંખે એવો આક્ષેપ કર્યો કે ‘ભાજપ લીવ બંગાળ’ અને ‘એન્ટી બંગાળ ભાજપ ગોબેક’ ના સંદેશવાળા પ્લેકાડ્‌ર્સ મમતા બેનરજીના નેતૃત્વવાળા શાસક તૃણમૂલ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું કે આ બાબત દર્શાવે છેે કે ટીએમસી અમારી રેલીથી ભયભીત થઇ ગઇ છે. બંગાળમાં ટીએમસીના ગણતરીના દિવસો બાકી છે. રાજ્યના લોકો ભાજપના સુશાસનની રાહ જોઇ રહ્યા છે. ભાજપના અન્ય નેતાએ એવું પણ કહ્યું કે બંગાળ ટીએમસીની અંગત સંપત્તિ નથી. તૃણમૂલ કોંગ્રેસને આવી માગણીઓ કરવાનો કોઇ અધિકાર નથી. આગામી દિવસોમાં રાજ્યના લોકો નક્કી કરશે કે રાજ્યમાં કોણ રહેશે અને કોણ જશે.જ્યારે ટીએમસીના મહામંત્રી અને બંગાળના શિક્ષણ પ્રધાને જણાવ્યું કે ભાજપ વિરોધી પોસ્ટર્સ સાથે તેમના પક્ષના કોઇ લેવા-દેવા નથી.