(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજરોજ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ અનેક ગુનેગારોથી ભરેલો છે. મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને મંત્રી બાબુ બોખીરિયા જેવા ભ્રષ્ટ લોકો હોદ્દા ભોગવી શકતા હોય અને જો તડીપારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાતા હોય તો ભાજપની નૈતિકતાની વાતો શું કામની ? આમ ભાજપની કરણી અને કથનીમાં ફેર છે. કોંગ્રેસના બળવાખોર સાત ધારાસભ્યોના રાજીનામા બાબતે પ્રતિક્રિયા આપતા ભરતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા આથી તેમની વિરૂદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. સમજાવ્યા બાદ પણ જેઓ અમારૂ કહ્યું ન માન્યા તેમને બરતરફ કરવાની ફરજ પડી છે. હવે આ ધારાસભ્યો છ વર્ષ માટે ચૂંટણી નહીં લડી શકે. તેમને હવે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે, જે ધારાસભ્યો દ્રોહ કરીને ગયા છે. તેમને સબક શીખવાડવાની જરૂર છે અને પ્રજા પણ તેમને જરૂર સબક શીખવાડશે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલની જીત થતા શંકરસિંહ બાપુના ટેકેદાર કોંગ્રેસી કાર્યકરોએ વસંત વગડે જવાને બદલે કોંગ્રેસ કાર્યાલયમાં આંટાફેરા વધાર્યા છે તે સંદર્ભે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોઈ નેતાની ભૂલ હોય તો કાર્યકરોને દોષ ન દેવાય. જે કાર્યકરો અને ટેકેદારો કોંગ્રેસ પક્ષ પ્રત્યે નિષ્ઠા અને વફાદારી ધરાવે છે અને તેમને આગામી દિવસોમાં પણ ધરાવતા રહેશે તેમને કોંગ્રેસમાં માન સન્માન સાથે સાચવવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમેે એનસીપી સાથે ગઠબંધન કરશો ? એનસીપીના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને મત આપ્યા નથી તેના જવાબમાં ભરતસિંહે જણાવ્યું હતું કે, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લઈશું. અમારો સૌપ્રથમ ધ્યેય ભાજપને હરાવવાનો છે કારણ કે, ભાજપે પ્રજાને દ્રોહ આપવાનું કામ કર્યું છે. કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ હજી અકબંધ છે અને રાજ્યસભાની ચૂંટણી બાદ તો નવું જોમ આવ્યું છે. વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ૧૫૦૦ જેટલી અરજીઓ આવી એ જ કોંગ્રેસની લોકપ્રિયતા દર્શાવે છે.