(એજન્સી) તા.૨૩
આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે કર્ણાટકમાં જે હાઇ ડ્રામા ખેલાયો હતો તેના પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. કર્ણાટકમાં બુધવારે જનતાદળ-એસ કોંગ્રેસ ગઠબંધન સરકારે શપથગ્રહણ કરી લીધા છે પરંતુ આ ગઠબંધન કેટલો લાંબો સમય ટકી રહેશે તેનો આધાર માત્ર તેના આંતરીક સંયોજન પર જ નહીં પરંતુ અન્ય બાહ્ય દબાણો પર પણ આધારીત છે.
૧૨ મે, બાદ જે ઘટનાઓ ઘટી અને એ જ રીતે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા જોતા દેશને ખબર પડી ગઇ કે કેન્દ્ર ખાતે શાસક પક્ષ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા કેટલી હદે નીચા જઇ શકે છે. ૧૨ મે,ના રોજ યોજાયેલ ૧૫મી વિધાનસભાની ચૂંટણીમાં ખંડિત જનાદેશ આવ્યો હતો. ભાજપને ૧૦૪ બેઠકો મળી હતી. ૭૮ બેઠક સાથે કોંગ્રેસ બીજા ક્રમે અને જનતાદળ-એસ બસપા ગઠબંધનને ૩૮ બેઠકો સાથે ત્રીજો ક્રમ મળ્યો હતો.
રાષ્ટ્રીય અને રાજકીય સ્થિતિને કારણે કોંગ્રેસને સરકાર રચવા માટે જનતાદળ-એસને બિનશરતી ટેકો જાહેર કરવાની ફરજ પડી હતી અને આમ ભાજપને સરકાર રચતા અટકાવવા માટે છેલ્લી ઘડીનો પ્રયાસ કરાયો હતો. જુદા જુદા પક્ષો દ્વારા પ્રાપ્ત થયેલ વોટ શેરનો અભ્યાસ કરીશું તો ચૂંટણીના પરીણામો અંગે વિસ્તૃત ખ્યાલ આવશે. બેઠકોના સંદર્ભમાં ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં કોંગ્રેસને સર્વાધિક ૩૮ ટકા વોટશેર મળ્યો હતો જે ૨૦૧૩ની તુલનાએ ૧.૫ ટકા વધુ છે.
ભાજપને ૨૦૧૩માં ૩૩.૫ ટકા વોટશેર પ્રાપ્ત થયો હતો જે આ વખતે ૩ ટકા વધીને ૩૬.૨ ટકા થયો છે. બીજી બાજુ જનતાદળ-એસનો વોટશેર ૨૦૧૩માં ૨૦.૭ ટકા હતો તે ૨ ટકા જેટલો ઘટીને ૨૦૧૮માં ૧૮.૩ ટકા થયો છે. આમ કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં ભાજપ કરતા ૭ લાખ વધુ મતદારોનું સમર્થન મળ્યું છે એ આ રીતે તેને ૧.૩૮ કરોડ લોકોનું સમર્થન છે.
ઐતિહાસિક રીતે જોઇએ તો આજની તારીખ સુધી વિધાનસભાની કોઇ પણ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વોટશેર કયારેય વટાવ્યો નથી. ૧૯૯૪માં પણ જ્યારે ભાજપને કોંગ્રેસ કરતા વધુ બેઠકો પ્રાપ્ત કરી હતી ત્યારે પણ આ જ વાસ્તવિકતા હતી. એ વખતે કોંગ્રેસે ૨૬.૯૫ ટકાના વોટશેર સાથે ૩૪ બેઠકો જીતી હતી જ્યારે ભાજપે ૧૬.૯૯ ટકાના વોટશેર સાથે ૪૦ બેઠકો જીતી હતી. અલબત ભાજપના વોટશેરમાં ક્રમશઃ વધારો થયો છે એટલે કે ૧૯૮૯માં ૪ ટકા હતો તે વધીને ૨૦૧૮માં ૩૬ ટકા થયો છે. આમ વોટશેરના વિશ્લેષણ પરથી એક વાત આ વખતે સ્પષ્ટ થઇ છે કે કોંગ્રેસને ભાજપ કરતા વધુ મતદારોનું સમર્થન છે.