(એજન્સી) તા.૩
રાજકીય નેતા બનેલ અભિનેત્રી હેમા માલિનીને મથુરામાં ફરીથી ભાજપના ધારસભ્ય તરીકે ચૂંટણીમાં ઉતારવાના પક્ષના નિર્ણય સામે માત્ર સ્થાનિક લોકોનો જ નહીં પરંતુ ભાજપના પણ એક શક્તિશાળી જૂથનો ઉગ્ર વિરોધ થયો છે.
મથુરામાં ભાજપના કાર્યકરોએ જણાવ્યું છે કે હેમા માલિનીની તરફેણમાં મથુરાના ધારાસભ્ય અને ઉ.પ્ર.ના પ્રધાન શ્રીકાંત શર્માની ઉપેક્ષા કરવાના ભાજપની કેન્દ્રીય નેતાગીરીના નિર્ણયને કારણે પક્ષના વર્તમાન ધારાસભ્યો તેમજ આસપાસના ગામોના રહેવાસીઓમાં ભારે નારાજગી ઊભી થઇ છે. ૨૦૧૭ની ઉ.પ્ર.ની ચૂંટણીઓમાં મથુરા લોકસભા મતક્ષેત્ર હેઠળ પડતા પાંચ વિધાનસભા બેઠકો પરથી ચાર પર ભાજપનો વિજય થયો હતો.
ભાજપના સમર્થકોનું કહેવું છે કે સ્થાનિક એકમને એવી આશા હતી કે શ્રીકાંત શર્મા અથવા અન્ય કોઇ વર્તમાન ધારાસભ્યને લોકસભાની ટિકિટ આપવામાં આવશે. ભાજપના સ્થાનિક એકમમાં હેમા માલિનીની વિરુદ્ધ સતત ફરિયાદો કરવામાં આવી રહી છે કારણ કે લોકોના જણાવ્યા પ્રમાણે હેમા માલિની માત્ર મતદારોને જ નહીં પરંતુ ભાજપના પણ કેટલાક લોકો માટે તેમનો સંપર્ક સાધી શકાતો નથી. સ્થાનિક ભાજપના નેતાઓનું કહેવું છે કે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગીજી પણ એવું ઇચ્છતા હતા કે મથુરામાંથી શ્રીકાંત શર્માને ટિકિટ આપવામાં આવે. મતદાર બલવીરના જણાવ્યા પ્રમાણે આ વખતે ગઠબંધનના ઉમેદવાર અને રાલોદના કુવર નરેન્દ્રસિંહ હોટ ફેવરીટ છે. તેઓ અમારામાંના એક છે. તેમણે અહીં કામ કર્યુ છે અને જાટ સમુદાય આ વખતે તેમને ટેકો આપી રહ્યો છે. મથુરામાં ૪.૫ લાખની સંખ્યા ધરાવતો સમુદાય ચૂંટણી જીતવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.