મોડાસા,તા.૩૧
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ૧૧ ગામ કડવા પાટીદાર સમાજની મોડાસા સ્થિત સમાજવાડી ખાતે કાર્યરત જિલ્લા ભાજપ કાર્યાલયને પાટીદાર આંદોલન સમિતિ દ્વારા વારંવાર લેખિત અને મૌખિકમાં ખાલી કરી દેવા જણાવવા છતાં જિલ્લા ભાજપ કાર્યાલયના હોદ્દેદારો દ્વારા ખાલી કરી દેવા અનેક વખત મહોલત માગ્યા પછી પણ ખાલી ના કરાતા અરવલ્લી જિલ્લા પાસ કન્વીનર અને પાટીદાર યુવાનો આકરાપાણીએ થતા આજરોજ સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં પહોંચી હલ્લાબોલ કરી કાર્યાલય પર સરદાર પટેલ અને હાર્દિક પટેલની છબી લગાવી ફૂલહાર કરી જય સરદાર જય પાટીદારના નારા લગાવી કાર્યાલય પર ઉપસ્થિત ભાજપના હોદ્દેદારોને જિલ્લા ભાજપ કાર્યાલય ર૪ કલાકની અંદર ખાલી કરી દેવા અલ્ટીમેટમ આપી સમાજવાડી ખાલી નહીં કરાય તો કાર્યાલય પર ઉપવાસ આંદોલન સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાતા જિલ્લા ભાજપના અગ્રણીઓમાં હડકંપ મચ્યો હતો. અરવલ્લી જિલ્લા પાસ કન્વીનર વિપુલ પટેલ અને રપ જેટલા પાટીદાર યુવાનો ૩૧ ઓકટોબર સરદાર પટેલ જન્મયજંતિ નિમિત્તે મોડાસા તાલુકાના ૧૧ ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં ચાલતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાલી કરાવવા પહોંચી સમાજવાડી પાટીદાર યુવકોના શિક્ષણ હેતુસર ખાલી કરાવવા માટે ર૪ કલાકની અંદર સમાજવાડી ખાતે ચાલતુ કાર્યાલય ખાલી કરી દેવા ઉપસ્થિત ભાજપના અગ્રણીઓને અલ્ટીમેટમ આપી ર૪ કલાકની અંદર સમાજવાડીમાં ચાલતું જિલ્લા ભાજપ કાર્યાલય ખાલી કરી દેવાની ચમીકી ઉચ્ચારી ખાલી નહીં કરાય તો ઉપવાસ અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવાની સાથે પાટીદાર યુવકોએ જય સદરાર જય પાટીદારના નારા લગાવી જિલ્લા ભાજપ કાર્યાલયની છત પર સદરાર પટેલ અને હાર્દિક પટેલની છબી લગાવી ફૂલહાર પહેરાવતા જિલ્લા ભાજપ અગ્રણીઓમાં હડકંપ મચ્યો હતો અને પાટીદારોના હલ્લાબોલ પગલે અગ્રણીઓ કાર્યાલય ખાતે તાબડતોબ ધસી આવી પાટીદાર યુવાનોને વાટાઘાટો દ્વારા સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાટીદાર યુવાનો ટસના મસ ન થતા જિલ્લા ભાજપ અગ્રણીઓમાં ચિંતા પ્રસરી હતી. સદરહુ બાબતે ભાજપા સંગઠનના હોદ્દેદારોનો સંપર્ક કરતા હોદ્દેદાર દ્વારા જો અમને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મકાન ખાલી કરવાનું કહેવામાં આવશે તો અમો જરૂર તેના પર વિચાર કરી શું પરંતુ પાટીદાર યુવાનો ઘણા સમયથી આ કાર્યાલય ખાલી કરી ટ્રસ્ટને પરત સોંપવા જિલ્લા ભાજપા સંગઠન પર દબાણ કરી રહ્યા છે અને વર્તમાન સ્થિતિમાં પાટીદાર યુવાનો ભાજપ સરકારની નીતિ રીતિથી ભારે આક્રોશમય જણાય છે ત્યારે ર૪ કલાકમાં બનતી ઘટના પર લોકો સાથે રાજકીય વિશ્લેષકો પણ નજર રાખી રહ્યા છે. પાટીદાર યુવાનોનો આક્રોશ ચરમસીમા પર છે. તે જોતાં જિલ્લા ભાજપ સંગઠન પણ બચાવની મુદ્રામાં આવી ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત જિલ્લામંત્રી શામળભાઈ પટેલ દ્વારા પાટીદાર યુવકોને સમાજવાડીના ટ્રસ્ટીઓ કહેશે તો જિલ્લા ભાજપ કાર્યાલય ખાલી કરવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.