(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈકાલે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે, ભાજપ લોકોના નાણાંની ચોરી કરી સંઘને ફંડ પૂરું પાડે છે. જો કે કોંગ્રેસે રાહુલના નિવેદનનો આ વીડિયો અપલોડ કર્યાની થોડીક જ મિનિટમાં સોશિયલ મીડિયા પરથી દૂર કર્યો હતો. રાહુલ ગાંધીના નિવેદનનો આ વીડિયો અડધો કલાકનો હતો. આ વીડિયોમાં રાહુલે ભાજપ અને સંઘની આકરી ટીકા કરી હતી જો કે તેમણે કોંગ્રેસના નેતાઓને જણાવ્યું હતું કે, ભાજપ અને સંઘ પાસેથી ઘણું શીખવાની જરૂર છે. રાહુલે જણાવ્યું હતું કે, જ્યારથી ભાજપ સત્તા પર આવ્યું ત્યારથી સંઘની ઘણી બધી સંસ્થાઓ અને શાખાઓ તમારા રાજ્યોમાં ખુલી અને છેવાડા સુધી પથરાઈ ગઈ. રાહુલે જણાવ્યું હતું કે, ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સરકાર લોકોના નાણાંની ચોરી કરી સંઘની સંસ્થાઓને દાન કરી દે છે. ભાજપ દ્વારા ચોરી કરાયેલા આ રૂપિયાથી સંઘની ઘણી બધી સંસ્થાઓ અલગ અલગ રાજ્યોમાં ચાલી રહી છે. રાહુલે કોંગ્રેસના નેતાઓને સૂચન કર્યું હતું કે, ભાજપ અને સંઘ પાસેથી શીખવાની જરૂર છે કે કઈ રીતે પોતાની સંસ્થાઓને વિકસાવવી, આપણે આવું કરવાની જરૂર છે. રાહુલે જણાવ્યું હતું કે, ભાજપ સંઘની આ સંસ્થાઓ છેવાડાના ગામો સુધી કામ કરતી હોવાથી આજે આદિવાસી સમાજના મતો ભાજપ તરફ વળ્યા છે.
ભાજપ લોકોના નાણાંની ચોરી કરી સંઘને ફંડ પૂરું પાડે છે : રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ

Recent Comments