(એજન્સી) પટના, તા.ર૦
ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન સરકાર ચલાવનાર નીતિશકુમારે પટનામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, અપરાધો, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા સહન કરવામાં નહીં આવે. નીતિશે જણાવ્યું કે, ઘણા લોકોને ગઠબંધનથી તકલીફ થવા માંડે છે. તેમાંથી મુક્ત થવું જોઈએ. નીતિશે પોતાના ફોર્મ્યુલા અંગે વાત કરતા કહ્યું કે, કાર્ય કરતા જાઓ તે અંગે અમે પ્રતિબદ્ધ છીએ. અમે ક્યારેય પણ અપરાધ, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા સહન નહીં કરીએ. ઘણાં લોકોને ગઠબંધનથી મુશ્કેલી થવા માંડે છે. તેને છોડી દો. કામના એજન્ડાને જુઓ. અમે ન્યાયની સાથે વિકાસ લઈ આગળ વધી રહ્યા છે. અમે લોકોની સેવામાં કાર્યરત રહીએ છીએ. ગઠબંધનની વાત મૂકો, કામની વાત કરો. ભાજપ અને જદયુના ગઠબંધન અંગે ઘણી અટકળો સામે આવી રહી છે. નોંધનીય છે કે આગામી ર૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપ અને જદયુનું ગઠબંધન બિહાર લોકસભાની ૪૦ બેઠકો માટે મહત્ત્વનું છે.