(એજન્સી) તા.૨૦
આ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ભાજપ વિપક્ષ-મુક્ત ભારતની આશા સેવી રહ્યો છે. કર્ણાટક આ દિશામાં એક પગલું છે, પરંતુ ભાજપ આ દિશામાં અન્ય પ્રયાસો પણ કરી રહ્યો છે. આ વખતે ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાની સાંસદને ભાજપમાં જોડાઈ જવા સમજાવ્યા હતા, પરંતુ તેમણે અમિત શાહના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. ૧૬ જુલાઈના રોજ ત્રિપુરાના એકમાત્ર રાજ્યસભા સાંસદ ઝરના દાસ બૈદ્યા રાજ્યમાં ચાલી રહેલી પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાના મુદ્દે આવેદનપત્ર આપવા માટે સંસદમાં આવેલા ગૃહમંત્રી અમિત શાહના ચેમ્બરમાં ગયા હતા. તેમને ગૃહમંત્રી સાથે મુલાકાત માટે સાંજે પાંચ વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તેમને ૭ વાગ્યા સુધી ચેમ્બરની બહાર રાહ જોવી પડી હતી, જ્યારે તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી, ત્યારે શાહે કથિત રીતે તેમને સીપીઆઈ(એમ) છોડી દેવા કહ્યું. કારણ કે, દેશમાં ડાબેરી મોરચો લગભગ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. બૈદ્યા મુજબ શાહે કથિત રીતે કહ્યું હતું કે, “તમે તે પાર્ટીમાં શા માટે છો ? તમારે ભાજપમાં જોડાવવું જોઈએ.” ત્યારે બૈદ્યાએ તેમને જવાબ આપતા કહ્યું હતું કે, “હું ભારતના ગૃહમંત્રીને મળવા આવી છું, ભાજપના અધ્યક્ષને નહીં.”