(એજન્સી) તા.૨પ
ભાજપ માટે ચિંતાના સમાચાર એ છે કે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તબસ્સુમ હસનના નારાજ દિયર કંવર હસને તેમની ભાભીને ટેકો જાહેર કરી દીધો છે. તેનાથી વિસ્તારના ૫ લાખથી વધુ મુસ્લિમો માટે હવે કોઈ પણ પ્રકારની શંકાઓ દૂર થઈ ગઈ છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રણ દિવસની અંદર બીજીવાર કૈરાનામાં સભા કરી રહ્યા છે. ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અહીં કેમ્પ કરી રહ્યાં છે. ભાજપના લગભગ ૫૦ ધારાસભ્ય અને ૩૦ મંત્રી દરેક ઘરના લોકોને મળીને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષમાં ભાગલા પાડવાની અને ફૂટ પાડવાના પ્રયાસો પણ ચાલુ જ છે. સંપૂર્ણ તાકાત સાથે ધ્રુવીકરણ કરાઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં કૈરાનામાં ભાજપ તેની સીટ બચાવી શકે તેવી મુદ્રામાં દેખાતો નથી. ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તબસ્સુમ હસનના નારાજ દિયર કંવર હસને હવે તેમની ભાભીને ટેકો જાહેર કરી દીધો છે. કૈરાના ચૂંટણી માટે આ મહત્વના સમાચાર છે. ૨૦૧૩માં કંવર હસન કૈરાનાથી બસપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેમને ૧ લાખ ૬૦ હજાર વોટ મળ્યા હતા. વિસ્તારના ૫ લાખથી વધુ મુસ્લિમ માટે હવે કોઈપણ પ્રકારની શંકા રહી નથી. કંવર હસન હવે ખુદ ચૂંટણી નહીં લડે અને તેમણે ગઠબંધનના ઉમેદવાર પોતાની ભાભી તબસ્સુમ હસનને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. હવે કૈરાનાની ચૂંટણી સીધી ભાજપ અને વિપક્ષ વચ્ચેની લડાઈ બની ગઈ છે. કંવર હસન દિવંગત સાંસદ મુનવ્વર હસનના નાના ભાઈ છે. ગત અઠવાડિયાથી નાહિદ હસન તેમના કાકાને મનાવવા પ્રયાસ કરી રહ્યાં હતા પરંતુ તે સફળ થઈ શક્યા ન હતા. પરંતુ રાલોદ મહાસચિવ જયંત ચૌધરીએ આ કમાલ કરી બતાવી. રાત દિવસ એક કરી ખૂબ જ સમર્પિત ભાવથી ચૂંટણીની કમાન સંભાળી રહેલા જયંત ચૌધરીને પરિવારમાં મતભેદ થવાથી સંભવિત નુકસાનનો અંદાજ હતો. તેને ધ્યાનમાં રાખીને ગુરુવારે તે મોટા ખેડૂત નેતાઓ સાથે સીધા કંવર હસનના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે કોંગ્રેસના પૂર્વ સાંસદ હરેન્દ્ર મલિક પણ હતા. આ મુલાકાત દરમિયાન જ કંવર હસને રાલોદનું સભ્યપદ મેળવ્યું અને સાંપ્રદાયિક તાકાતોને હરાવવા માટે રાલોદ ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરી દીધી.