(એજન્સી) તા.૧૭
મુખ્યપ્રધાન મનોહર પર્રિકરની નાદુરસ્ત તબિયતને કારણેે ગોવામાં સત્તા માટે તીવ્ર ગજગ્રાહ ચાલુ થઇ ગયો છે અને ભાજપ માટે મનોહર પર્રિકરના સ્વીકાર્ય અનુગામીની શોધ એ ખરેખર પડકારરુપ છે. સરકારનું ભાવિ ગઠબંધન ભાગીદારોના સમર્થન પર આધારીત છે કે જેમના નેતાઓની નજર હવે ટોચના હોદ્દાઓ પર છે.
મુખ્યમંત્રીની રેસમાં જેમના નામ સંભળાય છે તેમાં કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપદ નાયકનું નામ છે પરંતુ તેમને રાજ્યમાં પરત બોલાવવાના પ્રસ્તાવને પર્રિકરે સ્વયં થોડા દિવસ પહેલા ફગાવી દીધો હતો જ્યારે પર્રિકર સરકારને ટેકો આપનાર ગોવા ફોર્વર્ડ પાર્ટી અને અપક્ષોએ મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના (એમજીપી) નેતા રામક્રિષ્ન ધાવિલકરનું નામ પણ સીધું જ ફગાવી દીધું છે.
એવી પણ અફવાઓ વહેતી થઇ છે કે ધાવિલકરનો વિકલ્પ પક્ષમાં અને પક્ષની બહાર વધુ સ્વીકાર્ય બનાવવા માટે એમજીપીને ભાજપ સાથે મર્જ થવા જણાવવામાં આવશે. પર્રિકરના અનુગામી શોધવા માટે ભાજપની કેન્દ્રીય ટીમે ગોવામાં ડેરાતંબુ તાણ્યા છે પરંતુ તેમના માટે રાજકીય સોદાબાજીનું કાર્ય અઘરુ છે. આમ બીજા ક્રમની સબળ નેતાગીરીના અભાવે ગોવામાં પર્રિકરના અનુગામી અંગે નિર્ણય કરવાનું કાર્ય પડકારરુપ છે. દરમિયાન ગોવાના મુખ્ય પ્રધાન પર્રિકરને ગણેેશ ચતુર્થીની રજા દરમિયાન તબિયત લથડતાં શનિવારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. પર્રિકરને આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્વાદુપિંડનું કેન્સર હોવાનું નિદાન થયું છે. તેમણે અગાઉ ન્યૂયોર્કમાં સાત મહિના સુધી સારવાર લીધી હતી.