(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૧
દેશના વિવિધ રાજ્યોની યોજાયેલી પેટાચૂંટણીમાં ઈવીએમમાં ગોટાળા અને ગેરરીતિની બૂમ બાદ પણ જે રીતે ભાજપનો સફાયો થયો છે તેને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પેટાચૂંટણીના પરિણામોથી આખા દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. ભાજપના અહંકારી નેતાઓને પ્રજાએ જાકારો આપ્યો છે. હવે ર૦૧૯માં પણ લોકો ભાજપને જાકારો આપશે.
સુજલામ સુફલામ જળસંચય અભિયાન પર બોલતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં સરકારે પાણી માટે કામ કર્યા હોત તો આજે પ્રજાને પાણી માટે તરસવાનો વારો ન આવત બોરીબંધ અને જળસંચયના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. જળસંચયના નામે માત્ર જાહેરાતો કરવામાં અને ખાતમુહૂર્તો કરવામાં જ નાણાંનો બગાડ કરવામાં આવ્યો છે. આથી પાણી વગરની રૂપાણી સરકાર પર દેશ અને રાજ્યની પ્રજાને દયા આવે છે.
પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવવધારા બાદ જે પ્રકારે મજાકરૂપ ઘટાડો કરવામાં આવ્યો તે અંગે કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લેતા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે મોદી સરકારી આઝાદી બાદ પેટ્રોલ-ડીઝલમાં સૌથી વધારે ભાવવધારો પ્રજાના માથે ઝીંક્યો છે. સતત ભાવવધારો કરાયા બાદ જે રીતે એક પૈસાનો ઘટાડો કરી લોકોની મજાક ઉડાવી છે. આ મજાક ભાજપવાળાઓને ભારે પડશે. પ્રજા સાથે મજાક કરનારાઓને લોકો હરગીઝ સાંખી લેશે નહીં.
ગુજરાતમાં બિનઅનામત વર્ગના લોકોને પ્રમાણપત્ર આપવાની જાહેરાતને પ્રજાને ગેરમાર્ગે દોરનારી ગણાવતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બિન અનામત વર્ગના યુવાનોમાં ભારોભાર આક્રોશ છે. બિનઅનામત વર્ગના યુવાનોને રોજગારી આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. ભૂતકાળમાં બિનઅનામત વર્ગને લોલીપોપ આપવામાં આવી હતી ત્યારે સરકારની આ જાહેરાત ભૂતકાળની જેમ લોલીપોપ સાબિત ન થાય તેવી આશા રાખીએ.

 

આશરે ૧૦ દિવસ પહેલા આગાહી થયેલ કે આ વખતે કેરાલામાં વરસાદ ર૯મી મેથી શરૂ થશે અને તે  થઈ પણ ગયો ગુજરાત આવતા થોડાક જ દિવસોની વાર છે ત્યારે સમાચાર વાંચી આપણા સંતો યાગ્ય હવન કરવા બેસી ગયા ! અરે ભાઈ તમે તો અમારી જેમ જ સામાન્ય પ્રજાના એક માણસ છો અને તમારી પ્રાર્થના નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણોસર વરસાદ તો વરસવાનો જ છે !  કાશ આવી પ્રાર્થના મહિના પહેલા કરી હોત તો ખુલ્લા પડી ગયા હોત.