મંદિર અને હિન્દુત્વના મુદ્દાઓ નહીં પણ ફકત વિકાસ
(એજન્સી) પણજી, તા.૪
ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ અહીં પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું કે ભાજપા આગામી ચૂંટણીઓ ફકત વિકાસના મુદ્દે લડવાની છે. એમણે સ્પષ્ટ કર્યું કે મંદિર અને હિન્દુત્વનો મુદ્દો આગળ મૂકવામાં આવશે નહીં. નકવી વડાપ્રધાન મોદીની સિદ્ધિઓનું વર્ણન કરતાં હતા. ર૦૧૪થી લઈ આજ સુધીની સિદ્ધિઓ એમણે ગણાવી હતી. એમણે આશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ર૦૧૯ની ચૂંટણીઓ પણ એનડીએ જીતશે, વડાપ્રધાનના હોદ્દા માટે ર૦૧૯ના વર્ષમાં કોઈ જગ્યા ખાલી નથી. નકવીએ કહ્યું લોકો નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા સાથે છે પણ અમુક એવા લોકો છે જે એમનો વિરોધ કરી રહ્યા છે. અમારા નેતા નરેન્દ્ર મોદી જ છે અને રહેશે. અમે એમના નેતૃત્વ હેઠળ જ ચૂંટણીઓ લડીશું. અમુક લોકો મોદી વિરૂદ્ધ ઊભા થયા છે અને ભેગા પણ થયા છે. મોદી વિરોધી મોરચામાં ઘણી લાંબી લાઈન છે જેથી એ લોકો સ્થિરતા આપી શકશે નહીં. મોદી દેશના વિકાસને સમર્પિત છે. તમે એના પરિણામ જોઈ શકો છો. સરકારે વિકાસનું જ મિશન રાખ્યું છે. મોદી વિરોધીઓનો સામાન્ય કાર્યક્રમ ફકત ભ્રષ્ટાચાર, વિવાદો અને ગૂંચવાડા જ છે. જ્યારે અમારી મોટી લડાઈ ફકત વિકાસ અને સન્માન માટે છે. એમને પ્રશ્ન કરાયો કે લઘુમતીઓ દેશમાં અસુરક્ષા અનુભવી રહી છે. એના જવાબમાં નકવીએ કહ્યું અમે કોઈપણ ભેદભાવ વિના વિકાસ કર્યો છે અને વિકાસના ફળ લઘુમતીઓને પણ મળે એના પ્રયાસો કર્યા છે. અમુક રાજકીય પક્ષો વિકાસ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બગાડવા લઘુમતીઓમાં ભય ઊભો કરી રહ્યા છે. છેલ્લા ૪ વર્ષમાં થોડા છમકલા સિવાય મોટા કોમી રમખાણોના બનાવો બન્યા નથી. હું લઘુમતીઓને વિશ્વાસ આપું છું કે, એ લોકો ભારતમાં સુરક્ષિત છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક અધિકારો જે ભારતમાં મુસ્લિમોને છે એ દુનિયાના અન્ય કોઈપણ લોકશાહી દેશમાં નથી.