(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
ગુજરાત ભાજપમાં ત્રણ ધારાસભ્યોની નારાજગીનો મુદ્દો આજે દિવસ દરમ્યાન હોટ ઈસ્યુ બની રહ્યો હતો. વડોદરાના ત્રણ ધારાસભ્યો દ્વારા અધિકારીઓ કામો કરતા ન હોવાની વાતને લઈ વિરોધી અભિયાન ચલાવવાની જાહેરાત કરતાં અન્ય નારાજ ધારાસભ્યો સાથે મળી દિલ્હી હાઈકમાન્ડ સુધી રજૂઆત કરવા જવાનો નિર્ધાર કરતાં ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠન દોડતું થઈ ગયા છે. અધિકારીઓ સામે લડત ચલાવવાની જાહેરાત કરનાર અને ભાજપની શીસ્તની ઐસીતૈસી કરનારા ધારાસભ્યોને મળવા-સાંભળવા ભાજપના નેતાઓ દ્વારા હિલચાલ શરૂ કરી દેવાઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેઓની રજૂઆત સાંભળનાર છે. સંગઠનના અગ્રણી ભરત પંંડ્યાએ બે ધારાસભ્યોને મળી તેમની રજૂઆત સાંભળી તેમને ઠાર્યા હતા.
ગુજરાતમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બન્યા બાદ પહેલીવાર ત્રણ નારાજ ધારાસભ્યોએ પોતાનો બળાપો ઠાલવ્યો છે. ભાજપના ત્રણ ધારાસભ્ય જેમાં વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ, સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદાર અને જિલ્લાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની નારાજગી ઠાલવી હતી. આ નારાજગી અંગે મધુ શ્રીવાસ્તવે પોતાનો રોષ ઠાલવા જણાવ્યું હતું કે, અમે ત્રણેયે ઝુંબેશ ઉપાડી છે કે, ગુજરાતમાં બેસેલા મોટા અધિકારીઓ જેઓ ધારે તો તેમના હાથમાં છે તેવા નિર્ણયો લઈ શકે છે, સારા કામ માટે પણ આનાકાની અને ધક્કા ખવડાવે. ત્યારે આવા અધિકારીઓને અમે હટાવીને રહીશું અને તેમનો પર્દાફાશ કરીને રહીશું. અધિકારીઓ માત્ર અમને જ નહિ, પણ લોકોને પણ ધક્કા ન ખવડાવે. અમે આવા તમામ ભ્રષ્ટ અધિકારીઓને ખૂલ્લા પાડીને રહીશું. અમે પ્રજાને લઈને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાના જ છીએ. અમે ના.મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરીશું. અધિકારીઓને કામ કરતા શીખવાડવું પડશે. અધિકારીઓ સામે અમે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
બીજી તરફ સરકારના મંત્રીઓ તથા ભાજપ સંગઠન દ્વારા ધારાસભ્યોની નારાજગી મુદ્દે હિલચાલ શરૂ થઈ જવા પામી છે. ત્રણેય નારાજ ધારાસભ્યો અંગે નીતિન પટેલે કહ્યું કે, તેઓ આજે કરનાળી અથવા આવતીકાલે ગાંધીનગરમાં નારાજ ધારાસભ્યોને મળશે. સાથી ધારાસભ્યોની રજૂઆત હું સાંભળીશ. ધારાસભ્યોની નારાજગી પક્ષ સામે નહીં, પણ અધિકારીઓ સામે છે. MLAનું કામ ન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવાશે.
તો બીજી તરફ, વડોદરાના પ્રભારી ભરત પંડ્યા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને મળવા પહોંચ્યા હતા. ડેસરના સિહોરા ગામે શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પહેલા કેતન ઈનામદારને ભરત પંડ્યા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નારાજ સ્ન્છ એક-બે અધિકારીઓથી જ નારાજ છે. નારાજગી અંગે સમગ્ર બાબતનું નિરાકરણ આવી જશે. ભાજપ એ પાર્ટી નહીં, પણ પરિવાર છે. કોંગ્રેસની જેમ અમે કાર્યકર્તાઓને તડકામાં નથી ઉભા રાખતા.
આ બાબતે ધારાસભ્ય કેતન ઇનામદારને પુછતા જણાવ્યું હતું કે, અમારી નારાજગી અને અસંતોષ ભાજપ સામે કે સંગઠન સામે નથી પણ એસી કેબીનમાં બેઠેલા કેટલાક અધિકારીઓની નીતીરીતી સામે છે. અને પ્રજાના પ્રતિનિધિ છે તો પ્રજાનું જ કામ ન થાય તો કેવુ? અધિકારીઓની કામકાજની પધ્ધતિ સરકારની ઇમેજ ખરડાય છે. જેથી અમારા મિશનના ભાગરૂપે આવનાર સમયમાં અધિકારીઓને ખબર પડશે કે પ્રજાના પ્રતિનિધિ કોને કહેવાય તેવો હુંકાર કર્યો હતો.
ગુજરાતની ભાજપ સરકારમાં ધારાસભ્યોના જ કામો થતાં નથી તો પ્રજાના કામોની શું સ્થિત હશે તે ભાજપના ધારાસભ્યોએ કાઢેલા બળાપા ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ગાંધીનગરમાં મંત્રીઓ મંગળવારે મળતા નથી અને અધિકારીઓ કામો માટે ધરમ-ધક્કા ખવડાવે છે. અધિકારીએ અને વહીવટી તંત્ર પર કોઈની પકડ નથી. ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ થઈ ગયું છે. એવી હૈયાવરાળ સાથે ભાજપના ધારાસભ્યો આક્રમક રીતે વિરોધ કરવા મેદાનમાં આવ્યા છે. વડોદરાના ત્રણ ધારાસભ્યોની સાથે ભાજપના અન્ય ધારાસભ્યો પણ જોડાઈ રહ્યાનો તેઓએ દાવો કર્યો છે. એટલે કે ભાજપના ઘણા ધારાસભ્યો પ્રજાકીય કામો ન થવાના મુદ્દે અધિકારીઓ સામે ઝુંબેશ ચલાવવા મેદાનમાં આવી રહ્યા હોઈ ભાજપ સરકારની અધિકારીઓ પરની ઢીલી પકડની પોલ પણ ખૂલી જવા પામી છે. ભાજપની કહેવાતી શિસ્તની ઐસીતૈસી કરી આ રીતે તેના નારાજ ધારાસભ્યો વિરોધ કરવા મેદાનમાં આવી રહ્યા હોઈ રાજ્યભરમાં વ્યાપક ચર્ચાઓ જારી રહેવા પામી છે.