(એજન્સી) પટના, તા.ર
બિહારમાં શરાબ બંધી લાગુ થયાના બે વર્ષથી વધુ સમય બાદ પણ તેનો સંપૂર્ણપણે અમલ થયો નથી. દસ હજારથી વધુ લોકો આ મુદ્દે જેલના સળિયા પાછળ છે. પરંતુ રવિવારે નીતિશ સરકારના આ દાવાની પોલ ખૂલી જ્યારે તેમની સરકારમાં ગઠબંધન પક્ષ ભાજપના એક ધારાસભ્યનો પુત્ર દારૂ સાથે પકડાયો. અહેવાલો મુજબ સિવાનના સદરથી ભાજપના ધારાસભ્ય વ્યાસદેવ પ્રસાદના પુત્ર સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેઓ નશામાં ધૂત હતા અને તેમની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, લખનૌના એક લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા. પોલીસે ધારાસભ્યના પુત્ર સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આ પહેલાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરિ માંઝીના ૧૮ વર્ષીય પુત્ર રાહુલકુમાર માંઝીની નશાની હાલતમાં ધરપકડ કરાઈ હતી.