(એજન્સી) આગ્રા, તા.૧૮
યુપીના ફતેહપુર સિકરીના ભાજપાના ધારાસભ્ય ચૌધરી ઉદયમાનસિંહ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તેમના પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ અહીં તેઓ અચાનક ત્યાંના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) ગરિમાસિંહને ઠપકો આપવા લાગ્યા. ભાજપા ધારાસભ્યનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એસડીએમને ધમકાવતા પોતાની તાકાત વિશે જણાવી રહ્યા છે. વીડિયો મુદ્દે વિવાદ વધ્યા બાદ ભાજપા ધારાસભ્યએ સમગ્ર કેસ અંગે સ્પષ્ટતા કરી છે.
ફતેહપુર સિકરીના કિરાવલી તાલુકામાં પોતાની માગણીઓ અંગે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૌધરી પણ ત્યાં પહોંચ્યા હતા. થોડા સમય બાદ તેઓ ત્યાંના એસડીએમ ગરિમાસિંહને ધમકાવવા લાગ્યા. તેમણે કહ્યું, ‘‘શું તમને નથી ખબર કે હું ધારાસભ્ય છું ? તમે આ રીતે મારી સાથે વાત કરશો ? તમે મને એ અનુભવ કરાવવા ઈચ્છો છો કે તમે એસડીએમ છો ? તમને મારી તાકાતનો અંદાજ નથી ? લોકશાહીની તાકાતનું ભાન નથી ? આ દરમિયાન એસડીએમ ચૂપચાપ આ તમામ બાબતો સાંભળતા રહ્યા. તે સમયે તેમની વિરૂદ્ધ લોકોએ એસડીએમ મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કર્યા.’’ જો કે, વીડિયો વાયરલ થયા બાદ ભાજપા ધારાસભ્યની હાંસી ઉડાવાઈ રહી છે.