(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની બહુમતીની સરકાર બનતાં પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈને સંગઠનના અગ્રણીઓ જે બોલવું હોય, કરવું હોય તેમ મન ફાવે આચરણો કરવા માંડયા છે. અગાઉ આવા નેતાઓના બેફામ નિવેદનો, મારામારીના કૃત્યો બહાર આવ્યા બાદ વિવાદાસ્પદ નિવેદનોનો રાજકોટમાં ભાજપના ધારાસભ્યે સિલસિલો જારી રાખ્યો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો વકરી રહ્યો છે અને બે દિવસમાં ત્રણ જેટલા બાળકો પણ મૃત્યુ પામ્યા છે જ્યારે ભાજપ ધારાસભ્યે રોગચાળો તો નિમિત્ત છે, જીવન-મરણ ભગવાનના હાથમાં છે તેવું બેજવાબદારીભર્યું નિવેદન કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.
રાજકોટમાં રોગચાળાને લઈ હજારો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે તાવથી બાળકના મોત મામલે ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપતા તંત્રનો બચાવ કરતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોવિંદ પટેલે કહ્યું કે,’અતિવૃષ્ટીના કારણે અને ગટરો ઉભરાઈ જવાના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર સતર્ક છે. આજે સરકાર દ્વારા હાઇપાવર કમિટીની મિટિંગ રખાઈ છે. આપણે જે જે રજૂઆતો કરી છે તે મુદ્દે સરકાર એક્શન લઈ રહી છે. આજે રાજકોટની હોસ્પિટલમાં જે કાઈ પણ ખામીઓ હશે તે દૂર કરાશે. રોગચાળો હોય કે અકસ્માત હોય કે પછી હાર્ટ એટેક હોય આ તમામ બાબતો મૃત્યુ માટે નિમિત્ત બનતી હોય છે બાકી જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે.’
આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વધી રહેલા રોગચાળાને કાબૂમાં લેવા પર ચર્ચા કરી હતી. જયંતિ કવિએ જણાવ્યું હતું કે સફાઈને પ્રધાન્ય આપવું જોઈએ. જેથી રોગચાળા પર કાબૂ મેળવી શકાય. રાજકોટમાં છેલ્લા ૧ મહિનામાં માત્ર જુલાઈમાં ૧૩ હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધી હોવાનો અહેવાલ છે. જુલાઈ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ૮૬૩૨૬ અને આઈપીડી ૫૪૬૮ નોંધાઈ હતી.
આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં આગામી દિવસોમાં નવી યોજના આવી રહી છે. તે અંતર્ગત દર્દી દાખલ થાય અને રજા અપાય ત્યાં સુધીનો પોતાનો હોસ્પિટલ અંગેનો, સ્ટાફના વર્તન અંગેનો તથા સુવિધા-સારવાર અંગનો અભિપ્રાય તે આપી શકશે. આ માટે ઓનલાઇન સુવિધા ઉભી કરાશે.