(એજન્સી) જયપુર, તા.ર૬
ભાજપના રાજસ્થાનના ધારાસભ્ય ભવાનીસિંગ રજાવતે એક અધિકારીને ધમકાવી ગાળો બોલી કહ્યું કે, એક લાફો મારીશ તો પેન્ટમાં પેશાબ થઈ જશે. માર્કેટની મુલાકાત દરમિયાન મસૂરની વસૂલીમાં વિલંબ બદલ ભાજપના ધારાસભ્ય ભવાનીસિંગે અધિકારીને ધમકાવ્યા હતા. જે અધિકારીને ધમકાવ્યા હતા તે રાજસ્થાન અજ્યસિંગ પનવાર નાયબ રજિસ્ટ્રાર સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરશેનના અધિકારી છે. રજાવત તાજેતરમાં ભામાશાહમંડીની મુલાકાતે ગયા હતા અને અડદની દાળની ખરીદી અંગે ચુકવણીનો કયાસ કાઢ્યો હતો. ખેડૂતોએ જ્યારે ગેરરીતિની ફરિયાદ કરી ત્યારે ધારાસભ્યનો પીત્તો ગયો હતો. તેમણે ખેડૂતોને બેસાડી રાખવા બદલ રજિસ્ટ્રાર પનવારનો ઉધડો લીધો હતો. તેમણે ધમકી આપી કે એક લાફો મારીશ તો પેશાબ કરી જઈશ.
ધારાસભ્યએ કહ્યું કે, માર્કેટમાં ૧,૧૧,૦૦૦ ક્વિન્ટલ અડદની દાળ પહોંચી છે. માત્ર ૧૦૦ ક્વિન્ટલની વસૂલી કરાઈ. તેમણે કાર્યવાહી તેજ કરવા કહ્યું હતું. ધારાસભ્ય રજાવતે કહ્યું કે, ખેડૂતોને નુકસાન થતું અટકાવવા તેમણે પનવારને ઠપકો આપ્યો હતો.
અગાઉ ભવાનીસિંગ રજાવતે ર૦૧૩માં એક તલાટીને થાપટ મારી હતી. ર૦૦૭માં ભવાનીમંડીમાં રાવોટ બદલ તેમની સાથે કેસ પણ થયો હતો.