(એજન્સી) મુંબઈ, તા.૬
મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા આયોગે ભાજપના ધારાસભ્ય રામ કદમને કથિત રીતે મનપસંદ યુવતીનું અપહરણ કરવાના નિવેદન મુદ્દે નોટિસ ફટકારી છે અને આ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે ખુલાસો કરવા આઠ દિવસની મહેતલ આપી છે.
અહેવાલ મુજબ ઉપનગર ઘાટકોપર વિધાનસભા ક્ષેત્રમાં સોમવારે ‘દહીં હાંડી’ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામ કદમે યુવાઓને કહ્યું હતું કે, જ્યારે કોઈ યુવતી એમના પ્રસ્તાવને સ્વીકારતી નહોતી ત્યારે તેઓ યુવતીનું અપહરણ કરી લેતા હતા. ધારાસભ્યના આ નિવેદનની જાણ થતા મહિલા આયોગે બુધવારે નોટિસ ફટકારીને આઠ દિવસમાં જવાબ માંગ્યો હતો.
આયોગના અધ્યક્ષ વિજય રત્નાકરે જણાવ્યું કે, એમણે કદમને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રાખવા આઠ દિવસનો સમય આપ્યો છે. જો કે કદમે પોતાના વિવાદાસ્પદ નિવેદન પર ગુરૂવારે ટ્‌વીટ કરીને મરાઠી ભાષામાં માફી માંગી છે. બીજી તરફ ભાજપની કેન્દ્ર અને પ્રદેશમાં ગઠબંધન સહયોગી શિવસેના અને મહારાષ્ટ્રમાં વિપક્ષી દળોએ કદમ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરીને તેમને રાવણ સાથે સરખાવ્યા છે.
વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે, ધારાસભ્ય વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન આ મામલો ઉઠાવવામાં આવશે.