(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
મહાત્મા ગાંધીના હત્યારાની પ્રશંસા કરનારી પોતાની સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી છેડો ફાડવાના પ્રયાસ કરવાના ભાજપના પ્રયાસ વચ્ચે પાર્ટીના વધુ એક ધારાસભ્યે કહ્યું છે કે, નાથુરામ ગોડસેએ ભૂલ કરી હતી પણ તે આતંકવાદી ન હતો. બલિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, ગોડસે આતંકવાદી ન હતો, જે લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે તેઓ આતંકવાદીઓ છે. ગોડસેએ ભૂલ કરી હતી, તેણે દેશભક્ત ગાંધીજીની હત્યા કરવી જોઇતી ન હતી.
ધારાસભ્યને પુછવામાં આવ્યું કે, શું ગોડસે દેશભક્ત હતો ત્યારે તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો. લોકસભામાં ડીએમકે નેતા એમકે સ્ટાલિન દ્વારા નાથુરામ ગોડસે દ્વારા ગાંધીની હત્યા કરવાના ઉલ્લેેખ બાદ સાધ્વી પ્રજ્ઞાએ વિરોધ દર્શાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ ટિપ્પણીથી ભારે વિરોધ વચ્ચે રાજનાથસિંહે ગુરૂવારે જણાવ્યું મહાત્મા ગાંધીજીના હત્યારાને દેશભક્ત કહેનારા કોઇપણ વિચારો સાથે પાર્ટી સહમત નથી. ભાજપે આ સાથે જ પ્રજ્ઞા ઠાકુરને સંસદીય બેઠકોમાં ભાગ લેવાથી રોક લગાવી દીધી છે અને સંરક્ષણ અંગેની સમિતીમાંથી તેને કાઢી મુકી છે. દરમિયાન જેપી નડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુર દ્વારા આપાયેલું નિવેદન નિંદાપાત્ર છે. ભાજપ આવા નિવેદનને સમર્થન કરતો નથી અને અમે આ વિચારધારાને સમર્થન કરતા નથી. ઉત્તરપ્રદેશના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે આ પહેલા પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપ્યા છે.
‘ગોડસે આતંકવાદી નથી, તેનાથી ભૂલમાં ગાંધીની હત્યા થઇ : હવે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહનું વિવાદિત નિવેદન

Recent Comments