(એજન્સી) લખનઉ, તા. ૧૫
બલિયાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે વિવાદ છેડતાં એક નિવેદનમાં જણાવ્યું છે કે, મુસ્લિમો મોટા પ્રમાણમાં પત્નીઓ રાખે છે અને ઘણા બાળકો પેદા કરે છે જે પશુ પ્રવૃત્તિ છે. પોતાના વિવાદિત નિવેદનમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે, મુસ્લિમ ધર્મમાં તમે જાણો છોે કે લોકો ૫૦ પત્નીઓ રાખે છે અને ૧૦૫૦ બાળકો પેદા કરે છે. આ કોઇ પરંપરા નથી પણ પશુ પ્રવૃત્તિ છે. સમાજમાં બેથી ચાર બાળકો પેદા કરવા સમાન્ય બાબત છે. સિંહે પત્રકારો સમક્ષ આ નિવેદન આપી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ઉલ્લેખનીય છે કે, સિંહ અવારનવાર આવા નિવેદન આપી સમાચારોમાં રહેવા માગે છે. આ પહેલા પણ સુરેન્દ્રસિંહ અનેક વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. પાછલા વર્ષે જુલાઇમાં ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે રેપની વધતી ઘટનાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પાછલા વર્ષે જૂન મહિનામાં ડોકટર્સ ડે નિમિત્તે એક સભાને સંબોધતાં સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સરકારી ડોક્ટરો રાક્ષસની જેમ છે જેઓ ગરીબો માટે કામ કરતા નથી. સરકારી હોસ્પિટલોના ડોક્ટરો ગરીબ દર્દીઓ સાથે જીભાજોડી કરે છે અને પછી રાક્ષસ બની જાય છે. હું પ્રાર્થના કરૂં છું કે ભગવાન તેમને સમજ આપે. બાદમાં સુરેન્દ્રસિંહે એમ પણ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે પત્રકારો બ્રોકરની જેમ કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, આ પત્રકારો સારા આર્ટિકલ લખતા નથી અને ભગવાન જ જાણે કે તેઓ સમાજને શું સંદેશ આપવા માગે છે. જુલાઇ ૨૦૧૮માં બલિયાના ધારાસભ્યે કહ્યું હતું કે, હિંદુ કપલોએ અખંડિતતા જાળવવા માટે હિંદુત્વ માટે ઓછામાં ઓછા પાંચ બાળકો પેદા કરવા જોઇએ. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારતમાં હિંદુઓની વસ્તી વધારવા માટે આ પગલું જરૂરી છે. દરેક મહાનનું સપનું હોવું જોેઇએ કે, હિંદુ કપલો પાંચ બાળકો પેદા કરે. આનાથી વસ્તી વધારા પર અંકુશ લગાવી શકાય છે અને હિંદુત્વને અખંડ રાખી શકાય છે. એક વખત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ કરતાં વૈશ્યાઓ સારી અને એવું પણ જણાવ્યું હતું કે, રેપની ઘટનાઓને ભગવાન રામ પણ રોકી શકતા નથી.