(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવા હાર્દિકના પ્રયાસોને નિષ્ફળ બનાવવા સરકારે પોલીસતંત્રનો ઉપયોગ કરી હાર્દિક સહિતના પાસના સભ્યોની અટકાયત કરતા આંદોલનકારીઓમાં વિરોધ વંટોળ ઊઠ્યો છે ત્યારે હાર્દિક પટેલે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો છે કે ગુજરાતના ભાજપના રર પાટીદાર ધારાસભ્યો સાથે અમે સંપર્કમાં છીએ અને રાજ્યસભાની ચૂંટણીમાં આનંદીબહેનના ગ્રુપના ૬ ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરી શકે છે. ગઈકાલે સોલા ઉમિયાધામ ખાતે હાર્દિક અને પાસના પાટીદાર યુવાનોની પોલીસે અટકાયત કરતા અનામત આંદોલનની આગ વધુ તેજ બની છે. ત્યારે હાર્દિકે આ બાબતે વિરોધ કરીને આક્ષેપ કરતા મીડિયાને જણાવ્યું હતું કે સમાજના હિત માટે હું કાર્યક્રમ કરૂં છું. ખોડલધામ ઉમિયાધામ સંસ્થા અમારી સાથે છે પણ સરકારે પોલીસને આગળ કરીને દાદાગીરી અને ગુંડાગીરીના ઈશારે પાટીદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે. હાર્દિકે વધુમાં ભાજપ સરકારને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે સમાજના કાર્યક્રમને રદ કરાવવા ભાજપ દાદાગીરી કરી પોલીસનો દુરૂપયોગ કરી રહી છે. ભાજપના પાટીદાર ધારાસભ્યોને અમે વિનંતી કરી હતી કે ૧૪ પાટીદાર યુવાનોની હત્યા કરી છે તેમને જવાબ આપવા રાજ્યસભાની ચૂંટણીમાં એકવાર સમાજની સાથે છીએ એ બતાવી દો અને નોટાનો ઉપયોગ કરો. વધુમાં તેણે કહ્યું હતું કે ભાજપના ૪૧ ધારાસભ્યોમાંથી અમે રર ધારાસભ્યોના સંપર્કમાં છીએ. તેમને અહીં બોલાવ્યા હતા. તેમાંથી પાંચ જેટલા ધારાસભ્યોએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. એટલે કે આનંદીબહેન પટેલ ગ્રુપના ધારાસભ્યો છે તેઓ નોટાનો ઉપયોગ કરી શકે છે એવો હાર્દિક પટેલે દાવો કર્યો છે.
સંમેલનમાં એક લાખથી વધુ પાટીદારો
ઉમટવાના હોવાથી ભાજપ ડરી ગઈ

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે યોજાનારા ક્રાંતિકારી સંમેલનને મંજૂરી ન આપવા પાછળ ભાજપ સરકારની તાનાશાહી અને દાદાગીરીને જવાબદાર ગણાવતા હાર્દિકે જણાવ્યું હતું કે સરકારે આ સંમેલનથી ગભરાઈને પોલીસનો દુરૂપયોગ શરૂ કર્યો છે. અગાઉથી મંજૂરી મળી હોવા છતાં સરકારે યેનકેન પ્રકારે કાર્યક્રમ ન થાય તે માટે પોલીસને કાર્યક્રમના સ્થળે ઉતારીને ગ્રાઉન્ડમાં કબજો જમાવ્યો છે. તેથી સરકારના તાનાશાહી વલણને કારણે તા.પ ઓગસ્ટે યોજાનારૂં પાટીદાર કાર્યકર્તા સંમેલન મૌકૂફ રાખવામાં આવ્યું છે. જેની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. હાર્દિકે આઈબીના રિપોર્ટને ટાંકતા જણાવ્યું હતું કે આ સંમેલનમાં એક લાખથી વધુ પાટીદારો ઊમટી પડવાના હોવાથી ભાજપ ડરી ગયું હતું જેથી તેણે ઉમિયાધામમાં ટ્રસ્ટીઓ ઉપર દબાણ લાવી મંજૂરી રદ કરાવી હતી. આમ આ સંમેલન બંધ રખાવા માટે આઠ કારણો હાર્દિક પટેલે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યા છે.
સંમેલન બંધ રખાવા પાછળ
આઈબીનો રિપોર્ટ જવાબદાર : હાર્દિક

• આઈબીના રિપોર્ટ પ્રમાણે ૧.ર૦ લાખ પાટીદારો ઊમટી પડવાના હતા.
• આંદોલનકારી અને ધાર્મિક સંસ્થા વચ્ચે થઈ રહેલી વાટાઘાટોથી ભાજપ ચિંતિત હતી.
• પાટીદાર ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાના હતા. જો કાર્યક્રમ થાય તો ધારાસભ્યમાં ઉત્સાહ આવે.
• હાર્દિક પટેલની લોકપ્રિયતા વધી રહી છે માટે હવે હાર્દિકને હળવો લેવાય નહીં.
• વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક કિંગ મેકર સાબિત ના થાય માટે.
• હાર્દિક પટેલ અને પાસ દ્વારા જબરદસ્ત પ્રચાર હોવાથી.
• અમરેલી, રાજકોટ, સુરત, મહેસાણા, પાટણ, મોરબી, મહિસાગર, બરોડા, ભાવનગર, સાબરકાંઠા પોલીસ દ્વારા સૂચન હતું કે આ જિલ્લામાંથી પ૦ હજારથી વધુ લોકો આવી રહ્યા છે.
• ગુજરાતમાંથી સ્વયંભૂ ૭૧ર બસ આવવાની હોવાથી.