અમદાવાદ, તા.૧૭
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેલ દ્વારા સાળંગપુર ખાતે તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૧૭થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી બે દિવસીય સોશિયલ મીડિયા સંવાદનો કાર્યક્રમ યોજી આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૧૭માં નવસર્જન ગુજરાતનો સંકલ્પ સાથે સાયબર આર્મીની ટીમને વધુ માહિતી સામર કરવા આયોજન કરવામાં આવ્યું હતું. આ સોશિયલ મીડિયા સંવાદમાં આઈટી સેલના નિષ્ણાતો દ્વારા વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા અને જનતા કા રિપોર્ટર બની લોકોનો અવાજ બનીને પ્રજાનો અવાજ બુલંદ કરવા તૈયાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયા, રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમાર તેમજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના નિષ્ણાતોએ મહત્ત્વ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આઈટી સેલના યોદ્ધાઓને સત્ય વાતોને કોંગ્રેસ દ્વારા કરેલા વિકાસના કામોને તેમજ ભાજપના ભ્રષ્ટાચારને અને ગાંડા થયેલા વિકાસને સોશિયલ મીડિયામાં માહિતી સાથે વધુમાં વધુ પ્રચાર કરી જન જન સુધી સાચી હકીકતો પહોંચાડી જૂઠ્ઠની માયાજાળને ખુલ્લી પાડી ભાજપને સત્તામાંથી હાંકી કાઢવા માટે સજ્જ કરવામાં આવ્યા હતા. અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલે સાયબર આર્મીના યોદ્ધાઓને બુદ્ધિપૂર્વક સ્ટેટેજી પ્રમાણે લડી સોશિયલ મીડિયા પર લોકોના પ્રશ્નોનો અવાજ બનીને પ્રજાની લડતને વેગવંતી બનાવી આવતા ૯૦ દિવસ સુધી સતત દિલથી કામ કરી ન્યૂઝ મેનેજર અને ન્યૂઝ ક્રિએટર બની ભાજપના પોકળ દાવાઓને ખુલ્લા પાડી છેવાડાના ગામ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવા માહિતગાર કર્યા હતા. આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તાએ દરેક જિલ્લામાંથી આવેલા સાયબર આર્મીના દરેક મેમ્બર્સને વીડિયો તેમજ કન્ટેન્ટ કઈ રીતે તૈયાર કરવા અને કન્ટેન્ટને સોશિયલ મીડિયામાં કઈ રીતે વધુમાં વધુ વાયરલ કરી ઈમાનદારીપૂર્વક સત્યતાની લડાઈ લડી નવસર્જન ગુજરાતનો સંકલ્પ લેવડાવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશની વેબસાઈટ પર ચૂંટણી ઢંઢેરાના સૂચનો લેવા માટે ‘ઈચ્છા તમારી સંકલ્પ અમારો’ ફોર્મ લોન્ચ કરવામાં આવ્યું. જેના દ્વારા ગુજરાતના લોકો પોતાના પ્રશ્નો અને કોંગ્રેસ જોડે તેમની અપેક્ષા કોંગ્રેસ પક્ષના આગેવાનો સુધી પહોંચાડી શકશે.