(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧
સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે ગંદકીથી ત્રાસી ગયેલા સલાટવાડા રેઇનબસેરાના લોકોએ ભાજપના સ્થાનિક કાઉન્સીલરને સ્થળ પર બોલાવી ઉધડો લીધો હતો. લોકોએ ઉગ્રરોષ ઠાલવ્યા બાદ કાઉન્સીલરે સ્થળ પરથી જ પાલિકાના સફાઇ સેવકોને બોલાવી સફાઇ કરાવી હતી.શહેરના સલાટવાડા રેઇનબસેરા વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી છે. પાણીનો નિકાલ ન થતાં વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને પગલે દરેક ઘરમાં બિમારીના ખાટલા છે. આ ગંદકીથી કંટાળી ગયેલા સ્થાનિક રહીશોએ વીડિયો અને ફોટા ઉતારી ભાજપના કાઉન્સીલર રાજા સોલંકીને તેમજ વોર્ડ કચેરીમાં મોકલી ગંદકી દૂર કરવા રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવ્યું ન હતી. જેથી સ્થાનિક રહીશોએ ભાજપના કાઉન્સીલરને આજે સ્થળ પર બોલાવ્યા હતા. કાઉન્સીલર રાજા સોલંકી સ્થળ પર આવતા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. લોકોનો રોષ જોઇને કાઉન્સીલરે પણ ત્યાંથી જ વોર્ડ ઓફિસમાં ફોન કરી સફાઇ સેવકોને બોલાવીને વિસ્તારમાં સફાઇ કરાવી હતી.