(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૮
ઉત્તરપ્રદેશના એક બીજેપી ધારાસભ્ય પર સરકારી ભંડોળમાં ગરબડ કરવાનો આરોપ છે. બીજેપી એમ.એલ.એ. અનુરાગસિંહ પર ઓ.પી.ચૌધરી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગરીબ બાળકોની ફી માટે આવેલા ભંડોળમાં ગોટાળો કરવાનો આરોપ છે. આ કેસમાં ઉત્તરપ્રદેશ વિજિલન્સ વિભાગે અનુરાગસિંહની વિરૂદ્ધ આઈપીસીની કલમ ૪૦૯ અને કલમ ૧૨૦-બી હેઠળ કેસ દાખલ કર્યો છે. લખનઉમાં પી.જી.આઈ. પોલીસ સ્ટેશનમાં વિજિલન્સ વિભાગના ઈન્સ્પેક્ટર ડી.એસ.રાઠોરે આ કેસ દાખલ કરાવ્યો છે. અનુરાગસિંહ આ હોસ્પિટલના ચેરમેન છે. અનુરાગસિંહનો દાવો છે કે આ કેસ ૨૦૦૯નો છે, જ્યારે તેઓ હોસ્પિટલના વાઈસ ચેરમેન હતા. ત્યારે હોસ્પિટલની વહીવટી સત્તા ચેરમેનની પાસે હતી. તે સમયે હોસ્પિટલના ચેરમેન ઓ.પી.ચૌધરી હતા. અનુરાગસિંહના કહ્યા અનુસાર, ૨૦૧૧માં ઓ.પી.ચૌધરીના નિધન બાદ તે આ હોસ્પિટલના ચેરમેન બન્યા. પીજીઆઈ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી બ્રજેશ રાયે જણાવ્યું કે, આ કેસ હોસ્પિટલની ડેન્ટલ કોલેજમાં પૈસાની હેર-ફેરનો છે. જો કે, તેમણે આ કેસમાં વધુ જાણકારી આપવાનો ઈન્કાર કર્યો છે, પરંતુ એટલું જરૂરથી કહ્યું છે કે, કેસમાં કોલેજના એકાઉન્ટન્ટ પંકજ કુમાર અને નિવૃત્ત ક્લાર્ક સુધીર શર્માનું પણ નામ સામેલ છે.
મિરઝાપુરની ચુનાર વિધાનસભામાંથી અનુરાગસિંહ પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. અનુરાગસિંહ વરિષ્ઠ બીજેપી નેતા અને પૂર્વ બીજેપી પ્રદેશ અધ્યક્ષ ઓપી શર્માના પુત્ર છે. તેમણે એફ.આઈ.આર.માં પોતાનું નામ આવવા પર કહ્યું કે તેમને આશ્ચર્ય છે કે આ કેસમાં તેમનું નામ કેવી રીતે આવ્યું. તેમણે કહ્યું કે સામાજિક કલ્યાણ વિભાગે તેમની પાસે આ કેસ અંગે કેટલાક દસ્તાવેજ માંગ્યા હતા. તેમણે આ દસ્તાવેજો પૂરા પાડ્યા છે. અનુરાગસિંહે કહ્યું કે વિજિલન્સ વિભાગો આ કેસમાં ૨૦૧૫માં તપાસ શરૂ કરી હતી અને ૨૦૧૬માં તપાસ પૂર્ણ થઈ ગઈ. સામાજિક કલ્યાણ વિભાગે ના તો તેમની પાસેથી કોઈ સ્પષ્ટતા માંગી અને ના તો કોઈ સવાલ પૂછ્યા અને તેમનું નામ સીધું જ એફ.આઈ.આર.માં દાખલ કરી દેવામાં આવ્યું. તેમને હજી સુધી એફ.આઈ.આર.ની નકલ મળી નથી. એકવાર એફ.આઈ.આર.ની નકલ મળ્યા બાદ તેઓ જવાબ આપશે.