(એજન્સી) ગોડ્ડા, તા. ૧૮
ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના એક કાર્યકરે પક્ષના સાંસદ નિશિકાંત દુબેના પગ ધોઇને ગંદુ પાણી પી જતા હોબાળો મચી ગયો છે. રાંચીથી આશરે ૩૩૦ કિલોમીટર દૂર આવેલા ગોડ્ડા બ્લોકના કનભારા ગામમાં એક પુલનું શિલારોપણ કરવા માટે ભાજપના સાંસદ દુબે ગયા હતા. ગામમાં ભાજપના એક કાર્યકર પવન કુમાર સાહએ એક મેટલ પ્લેટમાં દુબેના પગ ધોયા હતા અને ત્યાર પછી પવન કુમાર ઝડપથા આ પાણી પી ગયો હતો. જાહેર કાર્યક્રમમાં સર્જાયેલા આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોબાળો મચી ગયો હતો. ભાજપની ટીકા કરતા રાજ્ય કોંગ્રેસે આ ઘટનાને ‘શરમજનક’ ગણાવી હતી. ઝારખંડ કોંગ્રેસે ટિ્વટ પર મુકેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘વાવ ! ભાજપે જણાવ્યું કે પગ ધોવાની પરંપરા છે અને શું પગ ધોયેલું પાણી ઓબીસીએ પીવાનીે પણ ભાજપની પરંપરા છે ? શરમજનક ! ’ ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા આ ફોટો પક્ષના કાર્યકરો સાથે શેર કરવામાં આવ્યા બાદ દુબે લોકોના રોષનો સામનો કરી રહ્યા છે. પનવ કુમાર સાહની ઉપસ્થિતિમાં ગોડ્ડામાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં દુબેએ જણાવ્યું કે રાફેલ સોદા અને ભાગેડુ વિજય માલ્યા જેવા મુદ્દાઓ અંગે નિષ્ફળ નીવડ્યા બાદ વિપક્ષ આ મુદ્દો ચગાવી રહ્યો છે. વધુ દબાણ કરાતા દુબેએ સાહ તરફ નિર્દેશ કરીને કહ્યું કે હવે સાહ જવાબ આપશે. પોતાના કૃત્યને યોગ્ય ઠરાવતા સાહે જણાવ્યું કે દુબે તેના મોટા ભાઇ જેવા છે અને પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ આ ધાર્મિક વિધિ કરવાનું તેણે નક્કી કર્યું હતું.
સાંસદના પગ ધોઇને પાણી પીવાને ‘ધાર્મિક વિધિ’ ગણાવી ભાજપના કાર્યકરે બચાવ કર્યો

Recent Comments