(એજન્સી) પટણા, તા.૧૯
બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ ગુજરાતમાં ભાજપના વિજયને હજ ઉપર રામનો વિજય ગણાવ્યો હતો. મોદીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે હજ એટલે (H) હાર્દિક પટેલ, (A) અલ્પેશ ઠાકોર અને (J) જીજ્ઞેશ મેવાણી એચએજે સામે રામ (RAM) એટલે રૂપાણી -R, અમિત શાહ-A અને નરેન્દ્ર મોદી-M એટલે રામનો હજ સામે વિજય દર્શાવ્યો હતો. સુશીલ મોદીએ રામ અને હજ શબ્દનું રાજકીય પૃથ્થકરણ કરી નવો વિવાદ ઊભો કર્યો હતો. ભાજપે ચૂંટણી દરમિયાન કોમી લાગણીઓ ભડકાવવા રામ અને હજનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. જ્યારે વડાપ્રધાને કોંગ્રેસને મંદિર કે મસ્જિદ બેમાંથી એકને પસંદ કરવા પડકાર ફેંકયો ત્યારે તેઓ ભારે વિવાદમાં આવ્યા હતા. સુશીલ મોદીએ કહ્યું કે, લોકોએ નરેન્દ્ર મોદીની નીતિઓને મ્હોર લગાવી છે જેમાં ગુજરાતમાં હજ ઉપર રામનો વિજય થયો છે. મુસ્લિમો દ્વારા સઉદી અરેબિયામાં મક્કાની ધાર્મિક યાત્રાને હજ તરીકે ઓળખાય છે. ગુજરાતના વિજયને મતદારોએ વિકાસને મ્હોર મારી છે. ઘણા ભાજપ અને સંઘના નેતાઓએ કહ્યું કે, ભાજપે ચૂંટણી હિન્દુત્વના મુદ્દે જીતી છે. કોઈપણ સંજોગોમાં રાજ્યમાં ચૂંટણી જીતવી જરૂરી હતી. જો પરાજય થાય તો હિન્દુ વિચારધારાને ધક્કો પહોંચી શકતો હતો. હકીકતમાં ભાજપને ર૦૧ર કરતાં ૧૬ બેઠકો ઓછી મળી છે. ફકત ૯૯ બેઠકો જીતી શકી છે. રર વર્ષ ભાજપે ગુજરાતમાં રાજ કર્યું છે. આ ચૂંટણી વડાપ્રધાન મોદી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. ૧ર બેઠકો પર ભાજપના ઉમેદવારો પાતળી બહુમતીથી જીત્યા હતા. બસપા-એનસીપીએ ખેલ બગાડ્યો નહીંતર ભાજપને બહુમતી મળતી નહીં.