અમદાવાદ, તા. ૩૦
ગુજરાતમાં ર૦થી વધુ જિલ્લા પંચાયત અને ૧૪૩થી વધુ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષને જન સમર્થન મળ્યું હોવાથી બેબાકળી બની ગયેલી ભાજપા યેનકેન પ્રકારે કોંગ્રેસ શાસિત જિલ્લા અને તાલુકા પંચાયતો તોડવા માગે છે. જેમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ભાગીદાર બની રહ્યા છે. એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તોડવાના કાવતરા અને ભ્રષ્ટ ભાજપની સત્તા હડપવાની નીતિ પર આકરાં પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારની ખેડૂત વિરોધી, જન વિરોધી નીતિઓના કારણે ગુજરાતની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતોમાં ભાજપનો કારમો પરાજય થયો હતો અને ગુજરાતની જનતાએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર મહોર મારીને ભવ્ય વિજય આપ્યો છે ત્યારે, લોકતંત્રમાં પ્રજાના આશીર્વાદ જન સમર્થન મેળવવામાં નિષ્ફળ ભાજપા પોલીસતંત્ર-વહીવટીતંત્રના જોરે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તોડવા માટે ગેરબંધારણીય કામગીરી કરી રહ્યા છે. જેમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ભાગીદાર બની રહ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં સ્થાનિક નાગરિકોએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર વિશ્વાસ મુકીને કોંગ્રેસ પક્ષને સત્તાના સુકાન સોંપ્યા છે. ત્યારે, લોભ, લાલચ અને ધાક-ધમકીથી કોંગ્રેસ પક્ષના સભ્યોને તોડવા માટે ભાજપા સરકારના મંત્રીઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસ પક્ષના તમામ પંજાના નિશાન પર ચૂંટાયેલા સભ્યોમાં પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. ત્યારે, ખેડૂત વિરોધી, યુવા વિરોધી, જન વિરોધી ભ્રષ્ટ ભાજપા સરકાર સામે સૌ સાથીઓ એક થઈને ગુજરાતની જનતા માટે લડત આપશે તેવો વિશ્વાસ છે. રાજ્યની ભાજપા સરકારના ઈશારે કામ કરતાં ચોક્કસ પોલીસ અધિકારી-વહીવટી અધિકારીઓ નિયમ વિરૂદ્ધ, ગેરબંધારણીય કામગીરીથી દૂર રહે. તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.