અમદાવાદ,તા.૨૧
રાજય વિધાનસભાની આગામી માસમા ૯ તેમજ ૧૪ ડિસેમ્બરના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યુ છે આ અગાઉ ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમા ઉભો થયેલો રોષ શમવાનુ નામ ન લેતો હોય એમ આજે નવસારી બેઠક ઉપર પ્રભુત્વ ધરાવતા એવા રાજયસભાના પૂર્વ સાંસદ અને વન અને પર્યાવરણ મંત્રી રહી ચુકેલા ભાજપના દિગ્ગજ નેતા કાનજીભાઈ પટેલે તેમના પુત્ર સાથે પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,ભાજપ દ્વારા જાહેર કરવામા આવેલી ત્રીજી યાદી બાદ નવસારી બેઠક માટે પોતાના પુત્ર માટે ટીકીટ માંગનારા રાજય સભાના પૂર્વ સાંસદ અને વન તેમજ પર્યાવરણ મંત્રી રહી ચુકેલા એવા કાનજીભાઈ પટેલની માંગણીને મોવડીમંડળ દ્વારા સ્વીકારવામાં ન આવતા આજે કાનજીભાઈ અને તેમના પુત્રે પક્ષના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામા આપી દીધા છે.આમ ભાજપની ટીકીટ ફાળવણીને લઈને વિરોધનો વંટોળ હજુ શમવાનુ નામ લઈ રહ્યો નથી.એક તરફ વડાપ્રધાન આગામી સપ્તાહે દક્ષિણ ગુજરાતના પ્રવાસે પ્રચાર માટે આવી રહ્યા છે આ અગાઉ વધુ એક નેતાના રાજીનામાથી ઉભો થયેલો રોષ કેવી રીતે ઠારવો એ બાબત મોવડીમંડળ માટે મુંઝવણ ભર્યો બની ગયો છે.