પટના, તા. ૨૭
નીતિશ કુમારે ગુરૂવારે છઠ્ઠી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે રાજીનામાના ફક્ત ૧૪ કલાકના ગાળામાં જ મહાગઠબંધન સાથે છેડે ફાડી ભાજપ સાથે હાથ મિલાવી ફરી સત્તા મેળવી લીધી હતી.આ સાથે જ તેમણે આરજેડી અને કોંગ્રેસ સાથેના ૨૦ મહિનાના ગઠબંધનનો અંત આણ્યોે હતો. તેઓ ભાજપના ટેકા સાથે ફરી મુખ્યમંત્રી બન્યા અને સુશીલ કુમાર મોદી ઉપમુખ્યમંત્રી બન્યા હતા.
૧. પત્રકારોને સંબોધતા લાલુ પ્રસાદે આરોપ લગાવતા જણાવ્યંુ હતું કે, નીતિશ કુમારે ભાજપ સાથે પહેલાથી જ ગોઠવણ કરી રાખી હતી અને એકવાર કોઇએ તેમને પુછ્યુ કે, તમે ભાજપ સાથે જવાના છો ત્યારે તેઓ ના પણ ન કહી શક્યા. વડાપ્રધાને તરત જ ટિ્‌વટ કરી તે મારા દાવાને સાર્થક કરે છે.
૨. પહેલા સાંજેરાજીનામું આપ્યા પછી મોડી રાતે નીતિશ ફરીવાર રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને મળ્યા હતા અને ભાજપના સમર્થનથી સરકાર રચવાનો દાવો કર્યો હતો. બાદમાં સુશીલ મોદીએ જણાવ્યં કે, અમે ૧૩૨ ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રાજ્યપાલને સોંપ્યો છે.
૩. તેજસ્વી યાદવ પણ ગુરૂવારે રાજ્યપાલને મળ્યા હતા અને જણાવ્યું હતંુ કે, સૌથી મોટી પાર્ટી હોવાને કારણે આરજેડીને સૌથી પહેલા સરકાર રચવા આમંત્રણ મળવું જોઇતું હતું. તેમણે રાજભવન સામે સવાલો ઉઠાવી રાજ્યપાલના નિવાસ સામે રાતે ધરણા કર્યા હતા.
૪. નીતિશ કુમારે તેજસ્વી પર આરોપ મુક્યો હતો કે, તેઓ પર ભ્રષ્ટાચારનો આરોપ છે છતાં તેઓ સ્પષ્ટતા કરતા નથી તેથી તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.
૫. બુધવારે પોતાનું રાજીનામું આપતા નીતિશ કુમારે જણાવ્યંુ હતું કે, મારી સત્તામાં આ પહેલા કોઇ કૌભાંડ નથી થયું, હું જેટલા લાંબા ગાળા સુધી ટકી શકું તેટલા ગાળા સુધી કામ કરવા માગુ છું.મારા અંતરાત્માનો અવાજ સાંભળી રાજીનામું આપી રહ્યો છું. તેમના નિવેદનનો જવાબ આપતા રાહુલે જણાવ્યું હતું કે, રાજનીતિમાં એ મુશ્કેલી છે કે, લોકો પોતાના સ્વાર્થ ખાતર કાંઇ પણ કરી શકે છે.
૬. મોદીના વખાણ અને દિલ્હી તથા પટનામાં બેઠકોના દોર બાદ ભાજપે નીતિશને સમર્થન આપ્યું. સુશીલ મોદીએ કહ્યું કે, નિત્યાનંદ રાય અને મેં નીતિશ સાથે વાત કરી. ભાજપે તેમની અધ્યક્ષતામાં સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાજ્યપાલને મળતા પહેલા બંને પક્ષોના ધારાસભ્યોએ નીતિશના ઘરે શક્તિ પ્રદર્શન કર્યું હતું.
૭. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, નીતિશકુમારે ભ્રષ્ટાચાર સામે પગલું ભર્યું, ભાજપ વિકાસ અને બિહારમાં સ્થિરતા લાવવા ઇચ્છે છે.
૮. તાજેતરમાં આ જ મહિનામાં લાલુ યાદવ અને તેમના પરિવાર સહિત તેમના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર જમીન કૌભાંડ મામલે આરોપ લાગતા નીતિશે ખુલાસોકરવા જણાવ્યું હતું. પરંતુ લાલુ યાદવે રાજીનામું આપવા ઇન્કાર કરી દીધો હતો.
૯. ગત મહિને નીતિશ કુમારે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને સમર્થન આપી મહાગઠબંધનના સાથી પક્ષોને અલગ થવાના સંકેત આપી દીધા હતા. આ પહેલા તેમણે પીએમ મોદીની નોટબંધી અને જીએસટીના કાયદાને પણ સમર્થન આપ્યું હતું.
૧૦.વર્ષ ૨૦૧૩માં મોદીને વડાપ્રધાન પદના એનડીએના ઉમેદવાર ઘોષિત કરાતા નીતિશ ૧૭ વર્ષના એનડીએમાંથી જુદા થયા હતા. ૨૦૧૫માં તેમણે કોંગ્રેસ અને લાલુ યાદવના પક્ષ સાથે ગઠબંધન કર્યું હતું.
નીતિશ ભાજપ સાથે જોડાતાં જ ઇડીએ તેજસ્વી સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો
(એજન્સી) પટના, તા. ૨૭
બિહારમાં ગઠબંધન તૂટતાની સાથે જ લાલુ પ્રસાદના પરિવાર વિરૂદ્ધ પ્રવર્તન નિર્દેશાલયે કેસ નોંધ્યો છે. રેલવે હોટેલ ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચારને લઇ લાલુ પ્રસાદ અનેે તેમના પરિવાર સામે મની લોન્ડ્રીંગો કેસ નોંધ્યો છે. ફરિયાદમાં લાલુના પુત્ર તેજસ્વી યાદવ અને પત્ની રાબડી દેવીના નામો પણ સામેલ છે. બીજી તરફ નીતિશ કુમારે મહાગઠબંધનથી અંતર જાળવી ભાજપ સાથે મળી સરકાર રચી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, બીએનઆર ટેન્ડર કૌભાંડ વર્ષ ૨૦૦૬માં રેલવેની હોટેલ ફાળવણીની ગરબડ સાથે જોડાયેલું છે અને તે સમયે લાલુ પ્રસાદ રેલવે મંત્રી હતા. આ મામલે સીબીઆઇએ જણાવ્યંુ હતું કે, વર્ષ ૨૦૦૬માં રેલવે મંત્રી હતા ત્યારે લાલુ પ્રસાદે રાંચી અને પુરીના બીએનઆર હોટેલોની જાળવણી માટે પ્રાઇવેટ કંપનીઓને ટેન્ડર આપ્યા હતા. આ ટેન્ડર ખાનગી સુજાતા હોટેલ્સને અપાયા હતા. બીએનઆર હોટેલ રેલવેની હેરિટેજ હોટેલ છે જેને ૨૦૦૬માં આઆઇઆરસીટીસીએ પોતાના નિયંત્રણમાં લીધી હતી. આ મામલે સીબીઆઇએ પણ કેસ નોંધી સાતમી જુલાઇએ દિલ્હી, પટના,રાંચી, પુરી અને ગુરૂગ્રામ સહિત ૧૨ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.