અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં ભાજપના અનેક કૌભાંડોના શાસનને પગલે ગુજરાતમાં ખેડૂતો અને ખેતી બહાલ બન્યા છે અને ભયાનક ચિંતાજનક સ્થિતિ આવીને ઉભી છે. ભાજપના કૃષિ વિરોધી રાજમાં આજે રાજયના ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કૃષિ વિકાસ દરના ખોટા આંકડાઓ દર્શાવી લોકોને ભ્રમિત કરી રહ્યા છે પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે, ગુજરાતમાં ખેતીનો વૃધ્ધિ દર ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬માં ઘટીને ૧.૭ ટકા થઇ ગયો છે, જે મોદી સરકાર ૨૦૧૪માં સત્તામાં આવી તે પહેલાં ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪માં ૩.૪ ટકા હતો. ગુજરાતમાં ભાજપ સરકારે કૃષિ લક્ષી નીતિ અપનાવવાને બદલે ઉદ્યોગલક્ષી નીતિ અમલી બનાવતાં રાજયની પ્રજાના પગ પર કુહાડો માર્યો છે એમ લોકશાહી બચાવો અભિયાનના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પ્રો.હેમંતકુમાર શાહ, ડો.રોહિત શુકલ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું. લોકશાહી બચાવો અભિયાનના આ નેતાઓએ ગુજરાતની પ્રજા અને મતદારોને ભાજપના ખોખલા દાવાઓમાં ભરમાવ્યા વિના સમજી વિચારીને જ પોતાનો મત આપવા ખાસ અનુરોધ કર્યો હતો. લોકશાહી બચાવો અભિયાનના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પ્રો.હેમંતકુમાર શાહ અને ડો.રોહિત શુકલએ જણાવ્યું હતું કે, મોદી સરકાર પાંચ વર્ષમાં ખેતીની આવક બમણી કરવાના બિલકુલ જૂઠ્ઠાણાં ચલાવી રહ્યા છે કારણ કે, જો આવક બમણી કરવી હોય તો તે માટે વિકાસ વૃદ્ધિ દર ૧૪ ટકા હોવો જોઇએ, તેમછતાં મોદી સરકાર આવા વાહિયાત દાવાઓમાં લોકોને ભરમાવી ગેરમાર્ગે દોરી રહી છે અને છેતરી રહી છે. ગુજરાતમાં બાવન લાખ ખેડૂતો અને ૬૮ લાખ ખેતમજૂરો છે. આમ, ૧.૨૦ કરોડ લોકો તો, સીધી જ રીતે ખેતી સાથે સંકળાયેલા છે. રાજ્યના ૫૫ ટકા લોકો ખેતી આધારિત જીવનનિર્વાહ કરી રહ્યા છે. તેમ છતાં આજે ગુજરાતમાં ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. કપાસના જે ભાવ પાંચ વર્ષ પહેલા રૂ.૧૫૦૦ હતા, તે આજે રૂ.૮૦૦ થઇ ગયા. કપાસના ભાવ વધવાને બદલે ઘટયા, ખેડૂતો પાયમાલ થઇ ગયા. ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધ્યા છે અને ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે પરંતુ સરકારના પેટનું પાણી હાલતું નથી. દરમ્યાન લોકશાહી બચાવો અભિયાનના નેતાઓ ગૌતમ ઠાકર અને મહેશભાઇ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં એક ખેડૂત મહિને સરેરાશ રૂ.૬૪૨૬ જ કમાય છે અને તેમાં પણ ખેતીમાંથી થતી આવક તો માત્ર રૂ.૩૦૭૮ જ છે. ગુજરાતમાં ખેડૂતોને વીજળીના જોડાણ આપવાની સરકારી વાયદા પણ અધ્ધરતાલ છે. ૨૦૧૭ની સ્થિતિએ હજુ પણ રાજયમાં ત્રણ લાખ ખેડૂતોને વીજ જોડાણ મળ્યા નથી. ગુજરાતમાં ખેતીની દુર્દશાના કારણે રાજયમાં દસ હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સરકાર તરફથી આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારોને સહાય ચૂકવવા સુધ્ધાંની માનવતા દાખવતી નથી. ખેડૂતોનું અક્સ્માતે મૃત્યુ થાય તો તેમને અકસ્માત કિસ્સામાં પણ વળતર સરકાર દ્વારા ચૂકવાતું નથી. ૨૦૦૩-૦૬ દરમ્યાન ૬૦૫૫ ખેડૂતો કોઇકને કોઇક અકસ્માતથી મૃત્યુ પામ્યા હતા પરંતુ તેમાંથી માત્ર ૧૯૦૯ ખેડૂતોને જ વળતર ચૂકવાયું અને હજુ પણ ૪૧૪૬ ખેડૂતો વળતરથી વંચિત છે. એટલું જ નહી, ખેડૂતોની જમીન હડપ કરવાના કારસારૂપે ભાજપ સરકાર દ્વારા સરનો કાયદો કરી ઉદ્યોગો માટે ખેતીની જમીનો પાણીના ભાવે પધરાવી દેવાનું કાવતરૂ કરાયું છે. પાક વીમાના નામે પણ સરકાર દ્વારા ખેડૂતો સાથે છેતરપીંડી થાય છે.