(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨૭મીથી દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવનાર છે. આ દરમિયાન તેઓ કોઇ ધમાકો કરે તેવી આશા ભાજપના સ્થાનિક નેતાઓ સેવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જેની પાછલનું મૂળ કારણ હાલમાં ગુજરાતમાં અનામત અને નોટબંધી બાદ જીએસટીને લઇ ધંધા રોજગારની વકરેલી સ્થિતિને લઇ ગુજરાતમાં ભાજપ વિરોધી ડહોળાયેલું વાતાવરણ હોવાનું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જંગ જીતવા માટે રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં ૧૫૦ ઉપર બેેઠક સાથે ચૂંટણી જંગ લડતા ભાજપે સ્ટાર પ્રચારકો સાથે આપી કેન્દ્રીય મંત્રી મંડળને ગુજરાતમાં ઉતારી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભાઓ ગજવશે. સાથે સાથે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જુએલજી ઓરમ, ઉમા ભારતી, સાંસદ પરેશ રાવલ, મનોજ તિવારી સહિતના નેતાઓ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે. દક્ષિણ ગુજરાતમાં કડોદરા અને નવસારી ખાતે તા.૨૭ અને ૨૯મીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી ભટાર ચાર રસ્તા પાસે ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધન કરશે. તેમજ મોટા વરાછા, પૂર્વમાં કૈલાશનગર પાસે પણ જાહેરસભાને સંબોધન કરશે. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ચોર્યાસી બમરોલી ખાતે ભાજપની ચૂંટણી સભા ગજવશે. ભાજપના સાંસદ પરેશ રાવલ તા. ૨૬મીએ જબુંસર, ભરૂચ, સુરત પશ્રિમમાં ચૂંટણી સભાને પોતાની આગવી ઈટામા ભાજપનો પ્રચાર કરશે. ભાજપ દિલ્હીના પ્રમુખ મનોજ તિવારી વાપીમાં, કેન્દ્રીય મંત્રી જુએલજી ઓરમ નેત્રંગમાં અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અંકલેશ્વર, શુકલતર્થી ખાતે ચૂંટણી સભા ગજવશે.