વાગરા,તા.૨૯
ગતરાત્રીના જાગેશ્વર ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવારનો ગામ લોકોએ વિરોધ કરતા કાર્યક્રમ સ્થગિત કરવાની ફરજ પડી હતી ત્યારે ગતરોજ દહેજ પંથકના જાગેશ્વર ગામે ભાજપના ધારાસભ્ય અને ઉમેદવાર પોતાના ચૂંટણી પ્રચાર અર્થે ગામમાં એક સભાનું આયોજન કર્યું હતું. ગામલોકોને સંબોધે એ પહેલાં ઉપસ્થિત લોકોએ હલ્લાબોલ કરી દેતા ધારાસભ્ય શોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એબીજી કંપનીમાં ૪૦૦થી વધુ કામદારો નોકરી કરી રહ્યા છે. પરંતુ કંપનીની આર્થિક સ્થિતિ કથળતા છેલ્લા કેટલાક સમયથી કામદારોને પગાર ન ચૂકવાતા તેમને ઘર ચલાવવા માટે ફાંફા પડી રહ્યા છે. આ અંગે ધારાસભ્યને અનેક વાર રજૂઆતો કરતા તેમણે પગારની સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી. પરંતુ તેમ છતાં કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું. જાગેશ્વર ગામના અનેક પરિવારોના લોકો કંપનીમાં કામ કરે છે. તેમના પરિવારના લોકોએ સભામાં ધારાસભ્ય બોલે એ પહેલાં હલ્લાબોલ કરતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યું હતું. સ્થળ પર વિરોધ નોંધાવનારા લોકોએ ભારત માતા કી જયના નારા લગાવી ધારાસભ્ય વિરૂદ્ધ રોષ પ્રગટ કરતાં સભા સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી. આધારભૂત અને અંગત વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નજીકમાં આવેલ દહેજ ગામે પણ ભાજપની સભા યોજાવાની હોઈ દહેજ ગામના મુખ્યમાર્ગ પરથી કોંગ્રેસના ઝંડા તેમજ બેનર હટાવવા મુદ્દે ખેંચતાણ થવા પામી હતી. અરૂણસિંહ રણાની સભા પહેલાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોએ ગામમાં રેલી યોજતા વાતાવરણ ક્ષણિક સમય માટે તંગ થઇ જતાં સભા યોજવામાં વિલંબ થયો હતો.